આમચી મુંબઈ

ગામદેવીમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરનારો નોકર ઝડપાયો

મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરી પલાયન થયેલા નોકરને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાજુ બેંડુ નાચરે તરીકે થઇ હોઇ તેની પાસેથી રૂ. 5.34 લાખ જપ્ત કરાયા હતા. રાજુ નાચરેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

ગામદેવી વિસ્તારમાં રહેતા હીરાવેપારીને 7 ડિસેમ્બરે સાંજે છ લાખ રૂપિયા તેમના ફલેટના બેડરૂમમાં રાખ્યા હતા. જોકે બીજે દિવસે સવારે તેમને ઉપરોક્ત રોકડ મળી આવી નહોતી. બીજી તરફ ઘરનો નોકર રાજુ નાચરે પણ ગાયબ હોવાનું જણાતાં હીરાવેપારીએ તાત્કાલિક ગામદેવી પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે રાજુ નાચરે વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરી હતી.

દરમિયાન આ કેસની સમાંતર તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ઝવેરીબજારમાં શેખ મેમણ સ્ટ્રીટ ખાતે દુકાન નજીક છટકું ગોઠવ્યું હતું અને રાજુ નાચરેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેને બાદમાં વધુ તપાસ માટે ગામદેવી પોલીસને હવાલે કરાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button