પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અનેસંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અનેસંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો

નેવલ ડોક્યાર્ડમાં કામ કરનારા આરોપીના ત્રણ સાથીની શોધ ચલાવાઈ રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના અધિકારીને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી કથિત રીતે પૂરી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) યુવકની ધરપકડ કરી હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ મારફત સંપર્કમાં રહેલા પાકિસ્તાની ગુપ્તચર પાસેથી મળેલાં નાણાંના બદલામાં યુવકે માહિતી આપી હોવાનું કહેવાય છે. આરોપીના ત્રણ સાથી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.

મહારાષ્ટ્ર એટીએસે શંકાને આધારે પકડી પાડેલા યુવકની ઓળખ ગૌરવ પાટીલ (૨૩) તરીકે થઈ હતી. આઈટીઆઈનો કોર્સ કરનારો પાટીલ નેવલ ડોક્યાર્ડમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સ્થળોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચરને પૂરી પાડવામાં આવી રહી હોવાની માહિતી અધિકારીને મળી હતી. એટીએસે શંકાસ્પદ યુવકની ગતિવિધિ પર નજર રાખી હતી. તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એપ્રિલ-મેથી ઑક્ટોબર, ૨૦૨૩ દરમિયાન આરોપીની ઓળખાણ ફેસબુક મારફત ગુપ્તચર સાથે થઈ હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ પર ચૅટિંગ કરીને યુવકે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપી હતી. આના બદલામાં તેને ઑનલાઈન નાણાં મળ્યાં હોવાનું જણાયું હતું.

પૂરતી વિગતો હાથ લાગ્યા પછી પોલીસે શકમંદને તાબામાં લીધો હતો. પૂછપરછમાં યુવકના ત્રણ સાથીનાં નામ સામે આવ્યાં હતાં. એટીએસે આ મામલે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button