ઉરણમાં બે શકમંદને તાબામાં લેવા ગયેલા કોન્સ્ટેબલો સાથે મારપીટ

થાણે: બે શંકાસ્પદ ચોરોને નાગરિકોએ પકડી પાડ્યા પછી તેને તાબામાં લેવાયેલી પોલીસ ટીમમાંના બે કોન્સ્ટેબલ સાથે લોકોના જૂથે મારપીટ કરી હોવાની ઘટના નવી મુંબઈ પાસેના ઉરણ ખાતે બની હતી.
ઉરણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ ઉરણના વૈશ્ર્વી ગામમાં બની હતી. ગામવાસીઓના જૂથે બે શંકાસ્પદ ચોરને પકડી પાડ્યા હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસની ટીમે બે શકમંદને તાબામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે શકમંદોને પકડનારા લોકોએ પોલીસ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. બે કોન્સ્ટેબલ સાથે મારપીટ સુધ્ધાં કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હોવાનું કહેવાય છે.
જખમી એક કોન્સ્ટેબલની ફરિયાદને આધારે પોલીસે ચાર જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353, 332 અને 504 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)