આમચી મુંબઈ

માનખુર્દમાં રસ્તા પરના બર્ગરે લીધો યુવકનો જીવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: માનખુર્દના મહારાષ્ટ્ર નગર પરિસરમાં સોમવારે રસ્તા પરનું બર્ગર ખાવાને ૧૦થી ૧૨ સ્થાનિક નાગરિકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણમાં ટ્રૉમ્બે પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી. આ ઘટનાને કારણે જોકે માનખુર્દમાં ખળભળાટ મચી ગયો હતો.

રસ્તા પરના ખાદ્ય પદાર્થ ખાવાને કારણે ખાસ કરીને ઉનાળામાં બહારના પદાર્થ ખાવાથી આરોગ્ય સંબંધી અનેક ફરિયાદો આવતી હોય છે. માનખુર્દના મહારાષ્ટ્ર નગરમાં રસ્તા પર રેકડીવાળાએ તૈયાર કરેલા બર્ગર ૧૦થી ૧૨ લોકોએ ખાધુ હતું. લગભગ અડધા કલાક બાદ તમામ લોકોને ઉલટી અને જુલાબનો ત્રાસ ચાલુ થઈ ગયો હતો.

અમુક લોકોને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં તો અમુકને પાલિકાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી અમુક લોકોને રાહત થતા સારવાર બાદ મોડી રાતે રજા આપવામાં આવી હતી. જોકે તેમાંથી પ્રથમેશ ભોકસે નામના યુવકનું ખોરાકી ઝેરની અસર હેઠળ મૃત્યુ થયું હતું.

મળેલ માહિતી મુજબ પ્રથમેશને પહેલા નજીકના પરિસરમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ ખરાબ થતા તેને પરેલમાં આવેલી કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કે.ઈ.એમ.માં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણમમાં ટ્રૉમ્બે પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button