મુંબઈગરાઓને હાશકારો ટાટા પાવર વીજદરમાં વધારો નહીં કરે
મુંબઈ: ટાટા પાવર તરફથી વીજળીના દરમાં ધરખમ વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય વીજ નિયામક આયોગ સમક્ષ મૂક્યો હતો. જો વીજદરમાં વધારો માન્ય થાય તો સામાન્ય નાગરિકોને તેની માઠી અસર થાય એમ હોઇ, ભાજપના વિધાનસભ્ય મનીસા ચૌધરીએ ટાટા પાવર કંપનીના અધિકારીને પત્ર લખીને વીજદરમાં વધારો ન કરવાની માગણી કરી હતી.
આ માગણી માન્ય કરી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા ટાટા પાવર કંપનીના અધિકારીએ વીજદરમાં વધારો ન કરવાની બાંહેધરી આપી છે. ઉલ્લેખનીય છે કે ટાટા પાવર મુંબઇના સાડા સાત લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે. એટલે કે સાડા સાત લાખ મુંબઈગરાઓ વીજદરમાં વધારાના બોજથી બચી ગયા છે.
વીજળીનો ઓછો ઉપયોગ કરનારા માટે બમણા કરતાં વધારે અને વધુ વીજળીનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ફક્ત બેથી દસ ટકાના વીજદરમાં વધારાનો પ્રસ્તાવ ટાટા પાવરે રાજ્યના વીજ નિયામક આયોગ સમક્ષ રજૂ કર્યો હતો. જો એ મંજૂર થયો હોત તો ઓછી વીજળી વાપરનારાને વીજળીનું બમણું બિલ ચૂકવવું પડ્યું હોત.
પ્રસ્તાવ મુજબ ૧૦૦ યુનિટ વીજળીનો ઉપયોગ કરનારા ગ્રાહકોને હાલ ૩.૩૪ રૂપિયાને બદલે ૭.૩૭ રૂપિયા અને ૧૦૧થી ૩૦૦ યુનિટ વીજળીનો ઉપયોગ કરનારાને હાલના ૫.૮૯ રૂપિયાને બદલે ૯.૩૧ રૂપિયા ચૂકવવા પડી શકે.