ભિવંડીમાં લૂંટને ઇરાદે બે યુવાન પર ગોળીબાર કરવાના કેસમાં ક્યૂઆરટીનો જવાન પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૅટિંગ ઍપમાં રૂપિયા ગુમાવ્યા પછી માથે 40થી 42 લાખ રૂપિયાનું દેવું થતાં મુંબઈ પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી)ના જવાને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાની આંચકાજનક બાબત સામે આવી હતી. ભિવંડીમાં લૂંટને ઇરાદે બે યુવાન પર અંધાધૂંધ ગોળીબાર કરવાના કેસમાં પોલીસે ક્યુઆરીટીના જવાનની ધરપકડ કરી હતી.
પડઘા પોલીસે આરોપી સૂરજ દેવરામ ઢોકરે (37)ને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈ પોલીસ દળનો કોન્સ્ટેબલ ઢોકરે હાલમાં તે ક્યૂઆરટીમાં ફરજ બજાવતો હતો. તેની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ પણ હસ્તગત કરાઈ હતી.
ભિવંડીના પડઘા સ્થિત મેંદે ગામની હદમાં 13 ઑક્ટોબરની રાતે 9.30 વાગ્યાની આસપાસ ગોળીબારની ઘટના બની હતી. બાઈક પર જઈ રહેલા પિતરાઈ ભાઈઓ અઝીઝ સૈયદ અને ફિરોઝ શેખ પર બુકાનીધારી શખસે ગોળીબાર કર્યો હતો. આરોપીએ આઠ રાઉન્ડ ફાયર કરતાં બન્ને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાસ્થળના નિરીક્ષણ પરથી લૂંટને ઈરાદે ગોળીબાર કરાયો હોવાનું પ્રથમદર્શી પોલીસને લાગ્યું હતું. આ પ્રકરણે પડઘા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. શંકાસ્પદ આરોપી બસમાં અહમદનગર તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળતાં સ્થાનિક પોલીસને માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહમદનગરની પોલીસે કોલ્હાર બસ સ્ટોપ પાસે છટકું ગોઠવી આરોપી ઢોકરેને તાબામાં લીધો હતો.