હત્યા કેસના આરોપીની માતા પાસેથી લાંચ લેનારો પોલીસ અધિકારી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની માતા પાસેથી મદદરૂપ થવાને બહાને પાંચ લાખ રૂપિયાની કથિત લાંચ માગનારા પોલીસ અધિકારીની એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.
એસીબીના થાણે યુનિટે મંગળવારે લાંચની રકમ સ્વીકારનારા ભિવંડીના નારપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) શરદ પવારને રંગેહાથ પકડી પાડ્યો હતો. એપીઆઈ પવાર વિરુદ્ધ નારપોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
નારપોલી પોલીસે 38 વર્ષની ફરિયાદી મહિલાના પુત્રની હત્યાના કેસમાં ધરપકડ કરી હતી. આ કેસની તપાસ પવારને સોંપાઈ હતી. કેસમાં બધા પ્રકારે મદદ કરવા સહિત આરોપનામું દાખલ કરતી વખતે પણ મદદરૂપ થવાની ખાતરી આપી ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. વાતચીત પછી બે લાખ રૂપિયા સ્વીકારવાનું આરોપીએ માન્ય રાખ્યું હતું.
લાંચ આપવાની ફરિયાદીની ઇચ્છા ન હોવાથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીના અધિકારીઓએ મંગળવારે નારપોલી પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવી બે લાખ રૂપિયા સ્વીકાર્યા બાદ પવારને તેની કૅબિનમાંથી તાબામાં લીધો હતો.