વાહ!! સાયન હૉસ્પિટલમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન બેસાડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પીવાની પાણીની પ્લાસ્ટિકની બાટલીઓે હવે હૉસ્પિટલના પરિસરમાં ઠેર-ઠેર પડેલી જોવા મળશે નહીં. સાયન હૉસ્પિટલ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન બેસાડનારી મુંબઈ મહાનગરપાલિકાની પહેલી હૉસ્પિટલ બની ગઈ છે.
હૉસ્પિટલમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓ દ્વારા પીવાની પાણીનો ઉપયોગ કર્યા બાદ તેને ગમે ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે. આ પ્લાસ્ટિકની બોટલોને કારણે હૉસ્પિટલ પરિસર પણ અસ્વચ્છ રહેતો હોય છે. તેથી ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ સાયનમાં આવેલી પાલિકા સંચાલિત લોકમાન્ય ટિળક હૉસ્પિટલમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન બેસાડવામાં આવ્યું છ.
આ મશીનને કારણે પ્લાસ્ટિકના કચરાનો નિકાલ લાવવો વધુ સરળ રહેશે. એ સાથે જ પ્લાસ્ટિક કચરાથી પર્યાવરણને થનારા નુકસાનમાં રાહત થઈ રહેશે. મશીનમાં નાખવામાં આવનારી પ્લાસ્ટિકની બોટલનો નીકળનારો ભૂકાનો પુન:ઉપયોગ કરી શકાશે એવો દાવા પાલિકાના આરોગ્ય ખાતાએ કર્યો હતો.