મરાઠા આરક્ષણ આંદોલનમાં ચોરોનો ઉપદ્રવ, કાર્યકરોની સોનાની ચેનો અને મોબાઇલ ગાયબ
નવી મુંબઈ: ‘એક મરાઠા લાખ મરાઠા’ના જયઘોષ સાથે જાલનાથી મુંબઈ આવવા નીકળેલા મનોજ જરાંગે પાટીલ અને હજારો મરાઠા કાર્યકરોનો મોરચો નવી મુંબઈના વાશીમાં આવ્યો હતો. મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન ભીડનો ફાયદો ઉઠાવી ચોરોએ નવ લોકો પાસેથી લગભગ 18 તોલાના સોનાના દાગીના અને ત્રણ લોકો પાસેથી મોબાઇલ ફોન એમ અંદાજે પોણા પાંચ લાખ રૂપિયાની ચોરી કરવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણીને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન ચોરી થયેલી વસ્તુઓની ફરિયાદને આધારે નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત ચોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાલનાથી શરૂ થયેલું આ આંદોલન શુક્રવારે નવી મુંબઈ પહોંચ્યું હતું. વાશીના છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં હજારો મરાઠા કાર્યકરો પહોંચ્યા હતા. લગભગ એક વાગ્યે મનોજ જરાંગે પાટીલ કાર્યકરોનું સંબોધન કરવા સ્ટેજ પર આવ્યા હતા. આ વખતે ત્યાં રહેલા લોકોમાં ભીડમાં ધક્કા મુક્કી થતાં હંગામો થયો હતો. આ દરમિયાન આંદોલન સભામાં સામેલ થયેલા અનેક લોકોના કિંમતી વસ્તુઓ ચોરી થયા હોવાની વાતનો ખુલાસો થયો હતો. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આંદોલન દરમિયાન એક જ્યેષ્ઠ આંદોલનકારીની ગાળામાં પહેરેલી બે સોનાની ચેનની પણ ચોરી થઈ હતી.
બપોરે 12 વાગ્યાની આસપાસ સભામાં ભીડ વધી ગઈ હતી. આ ભીડનો ફાયદો ઉઠાવી ચોરોએ સાત લોકોના ગળામાંથી સોનાની ચેન સાથે ત્રણ લોકોના મોબાઇલ ફોન પણ ચોરી લીધા હતા. પોતાની વસ્તુઓ ચોરી થતાં પીડિતોએ વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આંદોલનમાં કુલ 18 તોલા વજનની સોનાની ચેન અને મોબાઇલ ફોન પણ ચોરાયા હતા. દરેક પીડિતોની ફરિયાદ બાદ અજ્ઞાત ચોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.