ભાંડુપમાં ૨,૦૦૦ એમએલડી ક્ષમતાનો નવો વોટર ફિલ્ટર પ્લાન્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પાણીપુરવઠાની વધતી માંગણીને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ભાંડુપ ખાતે ૨,૦૦૦ એમએલડીનો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરી રહી છે. ગયા વર્ષે પાલિકાએ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પાડયા હતા. ભાંડુપમાં પહેલાથી ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેમાં આ નવા યુનિટથી વધારાનું પાણી ઉપલબ્ધ થશે.ભવિષ્યનો વિચાર કરતા અને પીવાની પાણીની વધતી માગણી અને પુરવઠા વચ્ચે રહેલા તફાવતને દૂર કરવા માટે પાલિકા જમીનની નીચે વોટર ટનલતો બાંધી રહી છે, જેનું કામ પ્રગતીએ છે. પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની ભિડેએ જણાવ્યા મુજબ ભાંડુપ કૉમ્પ્લેક્સમાં ૨,૦૦૦ એમએલડીની ક્ષમતાનો નવો ફિલ્ટરેશન પ્લાન્ટ બાંધવામાં આવવાનો છે. આ ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણીની ગુણવત્તાને શુદ્ધ કરે છે અને તેને માનવ વપરાશ માટે યોગ્ય બનાવે છે. બહુ જલદી આ પ્લાન્ટનું કામ પૂરું કરીને
તેને શરૂ કરવાની યોજના છે.
મુંબઈને સાત જળાશયોમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે. સાતેય જળાશયોમાંથી પાઈપલાઈન મારફત પાણી ભાંડુપમાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટમાં લાવવામાં આવે છે. અહીં પાણીનું શુદ્ધીકરણ થયા બાદ રહેણાંક અને કર્મશિયલ ઝોનમાં તેનો પુરવઠો કરવામાં આવે છે.
હાલ ભાંડુપમાં ૧,૯૧૦ એમએલડી અને ૯૦૦ એમએલડીના બે યુનિટ છે, જેમાંથી મોટા યુનિટનું બાંધકામ ૧૯૭૯ની સાલમાં થયું હતું. મુંબઈની વસતી વધવાની સાથે જ મુંબઈમાં પાણીની માંગણી વધી હતી. તેથી પાલિકાએ ૨૦૧૪માં ૯૦૦ એમએલડી પ્લાન્ટનું બાંધકામ હાથ ધર્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ૧,૯૧૦ એમએલડીનો યુનિટ હવે નાનો પી રહ્યો છે. પ્લાન્ટ જૂનો થવાની સાથે જ તેની ક્ષમતા પણ નબળી પડી રહી છે. તેથી નવો પ્લાન્ટ બનાવવો જરૂરી થઈ ગયો છે. બહુ જલદી ૨,૦૦૦ એમલડીનો વોટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૪,૨૦૦ એમએલડી પાણીની આવશ્યકતા છે, તેની સામે પાલિકા માત્ર ૩,૮૫૦ એમએલડી જેટલો જ પાણીપુરવઠો કરવા સક્ષમ છે.