મુંબઈના આ વિસ્તારમાં સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું અનાવરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વરસમ્રાજ્ઞી, ભારતરત્ન, સ્વર્ગીય લતા મંગેશકરના સન્માનમાં સંગીત ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન પર આધારિત ભિંતચિત્રને કેમ્પ્સ ફ્લાયઓવરને લાગીને ન્યાયમૂર્તી સીતારામ પાટકર માર્ગ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનું અનાવરણ રવિવારે કરવામાં આવ્યું હતું.
લગભગ ૫૦ ફૂટ લાંબુ અને ૧૫ ફૂટ ઊંચાઈના આકારનું આ ભિંતચિત્ર (શિલ્પ) ઊભું કરવા માટે મંગેશકર પરિવારે યોગદાનન આપ્યું છે. લતા મંગેશકરના સંગીત ક્ષેત્રના સંપૂર્ણ જીવનપટ કલાત્મક અને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરના સંગીત ક્ષેત્રના પ્રવાસને વિવિધ તબક્કામાં દર્શાવવામાં આવ્યા છે.
આ દરમિયાન ક્યુઆર કોડ આધારિત હેરિટેજ પ્લાકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્યૂ આર કોડ આધારિત આ હેરિટેજ પ્લાક ભારતરત્ન લતા મંગેશકરના ‘પ્રભુકુંજ’ આ નિવાસસ્થાનની બહાર લગાડવામાં આવ્યું છે. તેના પરના ક્યૂ આર કોડને સ્કેન કર્યા બાદ લતા મંગેશકરના જીવન વિષયની માહિતી, તેમના ગીતો વિશેની માહિતી નાગરિકોને મળશે.