એપીએમસીમાં કોંકણની હાફુસના મુદ્દે વેપારીઓ-ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ, જાણો મામલો?

નવી મુંબઈ: કોંકણની હાફુસનો યોગ્ય ભાવ આપો તેમ જ બજારમાં તમામ ફળો કિલોના ભાવે વેચવામાં આવી રહ્યા છે. આને કારણે મેંગો પણ કિલો પ્રમાણે જ વેચાય એવી માગણી કોંકણના હાફુસ ઉત્પાદક ખેડૂતોએ એપીએમસીના વેપારીઓને કરી છે.
કોંકણની હાફુસને યોગ્ય ભાવ આપવા સંબંધે વેપારી અને ખેડૂત વચ્ચે હાલમાં જ બેઠક થઇ હતી. આ સમયે કિલોના ભાવે મેંગો વેચવામાં આવે, એવી માગણી સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. ખેડૂતોને ઉઠાવવી પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એકાદ પેટીમાં ત્રણથી ચાર મેંગો ખરાબ નીકળે તો આખી પેટીનું અવમૂલ્યન કરવું ન જોઇએ, એવી માગણી પણ કરવામાં આવી હતી.
કેરીની સીઝન પૂરી થયા પછી આખા વર્ષ દરમિયાન કરવી પડતી મહેનત, મોંઘાં ખાતર, નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન જંતુનાશક સ્પ્રે અને તેની પાછળ થતા વિશાળ ખર્ચનો ફટકો ખેડૂતોને સહન કરવો પડતો હોય છે.
આ ઉપરાંત સરકારનું ઉદાસીન વલણ અને સબસિડી બંધ કરીને સરકારે લાદેલા જીએસટી, લોન અને તેનું તગડું વ્યાજ, વાતાવરણમાં બદલાવ ઉત્પાદન પર વિપરીત પરિણામ ઊભું કરે છે. આટલું જ નહીં કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ઉષ્ણતામાનનો પારો, એવી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે મેંગોનું ઉત્પાદન ખર્ચાળ હોવાનું ઉત્પાદકોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ફળો કાઢીને માર્કેટમાં મોકલવાં પડતાં હોય છે. આ માટે ખેડૂતોએ ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઉઠાવવો પડતો હોય છે. જોકે તેની સરખામણીમાં એક પેટીનો ભાવ ઓછો મળે છે. વેપારી વર્ગ દ્વારા વિવિધ સમસ્યા કરવામાં આવી હતી. આમાં મુખ્ય ખેડૂતો ગુણવત્તાનું રક્ષણ કરતા નથી, કાચી કેરીઓ મોકલવામાં આવતી હોવાની ફરિયાદ વેપારીઓએ કરી હતી.