આમચી મુંબઈ

મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી

કાંદિવલીની લૅબ પર રેઇડ કરી પોલીસે એક કરોડનું એમડી જપ્ત કર્યું: બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને કાંદિવલીમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે સંબંધિત લૅબ પર રેઇડ કરી એક કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરી બે જણની ધરપકડ કરી હતી.

માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ નૂર આલમ મેહબુબ આલમ ચૌધરી (24) અને અબરાર ઈબ્રાહિમ શેખ (30) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને 15 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ માલવણી પોલીસની સર્વેલન્સ ટીમે અઠવાડિયા પહેલાં અબરાર શેખને પકડી પાડ્યો હતો. તેની પાસેથી અમુક માત્રામાં એમડી અને થિનરની 100 બૉટલ મળી આવી હતી. આ થિનરનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા થતો હોવાનું આરોપીએ કહ્યું હતું.

શેખ પાસેથી મળી આવેલું એમડી તેણે નૂર આલમ પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. માહિતીને આધારે પોલીસની ટીમે મંગળવારની સાંજે કાંદિવલીના ચારકોપ પરિસરમાં આવેલી એક રૂમ પર દરોડો પાડ્યો હતો. રૂમમાંનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આરોપી નૂર આલમે આ રૂમમાં ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હતી.

નૂર આલમની ધરપકડ કરી પોલીસે લગભગ એક કરોડ રૂપિયાનું એમડી જપ્ત કર્યું હતું. એ સિવાય ડ્રગ્સ બનાવવા માટેની મશીનરી અને અન્ય સાહિત્યો પણ હસ્તગત કરાયાં હતાં. આરોપીએ એમડી બનાવવાની ફોર્મ્યુલા અને તેની પદ્ધતિની માહિતી પૂરી પાડતું એક પુસ્તક બનાવ્યું હોવાથી રેઇડ દરમિયાન પોલીસને આ પુસ્તક પણ હાથ લાગ્યું હતું.

બારમું ભણ્યા પછી નૂર આલમે બીએચએમએસમાં પ્રવેશ મેળવ્યો હતો. કાંદિવલી પશ્ર્ચિમમાં સંઘવી એસ્ટેટ સ્થિત ઈસ્લામ કમ્પાઉન્ડમાં પરિવાર સાથે રહેતા નૂર આલમના બે નાના ભાઈ છે. પિતા ટૅક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.


રસાયણશાસ્ત્ર વિષય ગમતો હોવાથી નૂર ઈન્ટરનેટ પર રસાયણશાસ્ત્ર સંબંધી ઘણાં ખાંખાંખોળા કરતો હતો. સર્ચ દરમિયાન તેને ઈન્ટરનૅશનલ સાઈટ પરથી એમડી તૈયાર કરવાની ફોર્મ્યુલા મળી આવી હતી. આ ફોર્મ્યુલા અને એમડી બનાવવાની પદ્ધતિની રજેરજની વિગતો તેણે ઈન્ટરનેટ પરથી એકઠી કરી હતી. આ માહિતીની પ્રિન્ટ કઢાવી તેણે એક પુસ્તક બનાવ્યું હતું. તેને આધારે તે ઘરે જ એમડી બનાવવાનો પ્રયોગ કરવા લાગ્યો અને તેમાં તેને સફળતા સુધ્ધાં મળી. પછી તેણે મોટા પ્રમાણમાં એમડી તૈયાર કરી તેને બજારમાં વેચવાની યોજના બનાવી હતી.

નૂર આલમે કાંદિવલીના ચારકોપ પરિસરની ચાલમાં એક રૂમ ભાડે લઈ ત્યાં પોતાની લૅબ શરૂ કરી હતી. છેલ્લા પાંચથી છ મહિનાથી તે ડિમાન્ડ અનુસાર એમડી તૈયાર કરી સપ્લાય કરવા લાગ્યો હતો. ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલી એક મહિલા અને પુરુષ તેના સંપર્કમાં હોવાનું તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker