મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભિવંડીમાં મેન્ટેનન્સ ડેપો નિર્માણ કરાશે
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટોક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કામકાજને જાપાનની એક કંપનીને સોપવામાં આવ્યું છે. તેમ જ તેના જાળવણીના કામ માટે પણ કોન્ટ્રેક્ટરને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો.
થાણે જિલ્લાના ભિવંડીના અંજુર-ભરોડી ગામમાં ૫૫ હેક્ટર સરકારી જમીન હસ્તગત કરવામાં આવી છે. એનએચએસઆરસીએલના એક અધિકારીએ કહ્યું હતું કે આ ડેપોની ડિઝાઇન અને બાંધકામ માટે મંજૂરી પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સિવિલ વર્ક, નિરીક્ષણ શેડ, જાળવણી ડેપો અને કોચની સ્થાપના, ઓપેરેશન અને જાળવણી જેવી સુવિધાઓ રાખવામાં આવશે. આ ડેપોમાં બુલેટ ટ્રેનની દેખરેખ રાખવા માટે દરેક પ્રકારનાં અત્યાધુનિક સાધનો હશે, તેમ જ ટ્રેનસેટ અને લાઇટ મેન્ટેનન્સ વગેરેની પણ સુવિધાઓ હશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં શરૂઆતમાં ચાર નિરીક્ષણ લાઇન અને ૧૦ સ્ટેબલિંગ લાઇન રાખવામાં આવવાની છે. આગળ જતાં આ લાઈનોની સંખ્યાને વધારીને આઠ અને ૩૧ કરવામાં આવશે. ભિવંડીના બુલેટ ટ્રેન ડેપોમાં કોચ બદલવા માટેની મશીન, અંડરફ્લોર વીલ રી-પ્રોફાઇલ મશીન, ટેસ્ટ અને ડેટા રીડર, અલ્ટ્રાસોનિક ફ્લો ડિટેક્ટર અને ટ્રેનસેટ વોશિંગ પ્લાન્ટ સાથે અનેક પ્રકારનાં વિવિધ મશીનો પણ હશે. આ દરેક મશીનોને બુલેટ ટ્રેનની જાળવણી કરવા માટે રોકવામાં આવશે.