ચંદ્રપુરમાં પતિએ પત્ની અને બે દીકરીની કરી નાખી હત્યા, આ કારણસર…?
મુંબઈ/ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ગામમાં પત્ની અને બે દીકરીની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. મૌશી ગામમાં બનેલી આ ઘટનામાં પત્ની અલ્કા તલમલે (40), દીકરી તેજુ તલમલે અને પ્રણાલી તલમલેની તેના જ પિતા આંબદાસ તલમલે(50)એ જ કુહાડી વડે મારીને હત્યા કરી હતી. પત્ની અને બે દીકરીની હત્યા મામલે આરોપીની અટક કરી પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આંબદાસ તલમલે તેમની એક પત્ની, બે દીકરી અને એક દીકરા સાથે રહેતો હતો. છેલ્લા અનેક મહિનાથી ઘરમાં કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે દીકરો શનિવારે ઘરની બહાર ગયો ત્યારે ગાઢ ઊંઘમાં આરોપી આંબદાસે તેની પત્ની અને બે દીકરીની કુહાડી મારીને ક્રૂર રીતે હત્યા કરી હતી.
આ આરોપીના હુમલામાં પત્ની અલ્કા, દીકરી તેજુ અને પ્રણાલીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની અટક કરી હતી. આ ઘટનાથી આખા ગામમાં હોબાળો મચી ગયો છે.
પોલીસે માહિતી આપી હતી કે આ હત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને પોલીસ કેસની તપાસ અને દરેક વ્યક્તિ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ આ ઘટનામાં મૃત્યુ પામનારી તેજુ તલમલે 12માં ધોરણમાં ભણતી હતી અને બોર્ડની પરીક્ષામાં સારા માર્કે પાસ થવું તેની સપનું હતું, પણ માથાભારે પિતાએ જ દીકરીની હત્યા કરી તેનું સ્વપ્નું તોડી નાખ્યું હતું.