થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે આગામી દિવસોમાં સમસ્યાઓનો શંભુમેળો?
૨૮થી ૩૦મી નવેમ્બર સુધી ટ્રાફિકમાં ફેરફાર
થાણે: આગામી થોડા દિવસોમાં, એક બાજુ કલ્યાણ ફાટામાં એમઆઈડીસી પાઇપલાઇન (પાણીની લાઇન) માર્ગ પર પાણીની પાઇપ બદલવાનું અને બીજી બાજુ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણનું કામ કરવામાં આવશે, તેથી થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે આગામી દિવસોમાં સમસ્યાઓનો શંભુમેળો સર્જાય તેવી શક્યતા છે. સૂચિત કાર્યોને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરની ભીડનો અભ્યાસ કરવા માટે, થાણે પોલીસે ત્રણ દિવસના અજમાયશ ધોરણે ટ્રાફિક ફેરફારો લાગુ કર્યા છે. આ ટ્રાફિક ફેરફાર ૨૮ થી ૩૦ નવેમ્બર સુધી દરરોજ સાંજે ૫.૩૦ થી ૧૦ વાગ્યા સુધી રહેશે. આ ફેરફારને કારણે શિલફાટા, મહાપે રૂટ પર ભીડ થવાની સંભાવના છે. કલ્યાણ, બદલાપુર વિસ્તારના હજારો વાહનચાલકો નવી મુંબઈ તરફ જવા માટે એમઆઈડીસી માર્ગનો ઉપયોગ કરે છે. એમાઇડીસી કેનાલ રૂટની બંને તરફ આવેલી પાણીની ચેનલો જર્જરિત છે અને નવી પાણીની ચેનલો નાખવાની કામગીરી એમઆઈડીસી દ્વારા હાથ ધરવામાં આવશે. તેમ જ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટનલ ખોદવા અને પિલર બનાવવા જેવા કામો કરવામાં આવશે. પાણીની ચેનલ નાખવાના કામમાં ઓછામાં ઓછા ત્રણ મહિના અને બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ૨૦ થી ૨૫ દિવસનો સમય લાગશે.
આ કામોમાં ભારે મુશ્કેલી સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન પ્રાયોગિક ધોરણે અહીં ટ્રાફિક ફેરફાર લાગુ કર્યો છે. ટ્રાફિકમાં ફેરફાર દરરોજ સાંજે ૫.૩૦ થી ૧૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન કલ્યાણફાટાથી પૂજા પંજાબ રેસ્ટૉરન્ટ સુધીનો એક જ માર્ગ ચાલુ રહેશે જેના કારણે શિલફાટા-મહાપે માર્ગ પર ટ્રાફિકજામ થવાની સંભાવના છે.