થાણેમાં ડુંગર ચઢવાના પ્રયાસમાં પડી ગયેલો મુલુંડનો ગુજરાતી યુવક ગંભીર જખમી
પચાસેક ફૂટના અંતરે ઝાડ પર અટકી જતાં જીવ બચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફ્રેન્ડ સાથે થાણેના યોગી હિલમાં ગયેલો યુવક ડુંગર ચઢવાના પ્રયાસમાં પગ લપસી જવાને કારણે પડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. ડુંગર પર જ પચાસેક ફૂટના અંતરે આવેલા એક ઝાડ પર યુવક અટકી જતાં નસીબજોગે તેનો જીવ બચી ગયો હતો, પરંતુ પટકાવાને કારણે ગંભીર ઇજા થતાં તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારની સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં રોશન શાહ (20) ગંભીર જખમી થયો હતો. મુલુંડ પશ્ચિમની સ્વપ્ન નગરી ખાતે રહેતા શાહના માથા, છાતી, કમર અને હાથમાં ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ફોરેસ્ટ ગાર્ડે આપેલી માહિતી અનુસાર શાહ સવારે સાડાછ વાગ્યાની આસપાસ તેની મિત્ર સાથે થાણેમાં ઘોડબંદર રોડ સ્થિત ટીકુજીની વાડી નજીક માનપાડા સ્થિત ગેટમાંથી પ્રવેશ્યો હતો. ડુંગર પર ચઢવાના રસ્તે જવાને બદલે તે પથ્થરની ખાણ તરફ ગયો હતો. એવું કહેવાય છે કે શાહ જ્યારે જોખમ ખેડીને વિરુદ્ધ દિશાથી ઉપર ચઢી રહ્યો હતો ત્યારે તેની સાથે આવેલી યુવતી ડુંગરની તળેટીમાં જ બેઠી હતી.
લગભગ 100 ફૂટ ઉપર ચઢ્યા પછી એકાએક તેનો પગ લપસ્યો હતો, જેને કારણે તેણે સંતુલન ગુમાવ્યું હતું. નીચે પડી રહેલો શાહ પચાસેક ફૂટના અંતરે આવેલા એક ઝાડ પર પટકાયો હતો. ઝાડ પર અટકી જવાને કારણે શાહ તળેટી સુધી પટકાયો નહોતો, જેને કારણે તેનો જીવ બચી ગયો હતો.
મોર્નિંગ વૉક માટે નીકળેલા રહેવાસીઓની નજર શાહ પર પડતાં ગેટ પાસે હાજર ફોરેસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ગાર્ડ, થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારી અને જવાનોએ લોકોની મદદથી શાહને બચાવી લીધો હતો. સ્ટે્રચર પર સૂવડાવી શાહને ડુંગર પરથી નીચે લાવવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો. લગભગ કલાક પછી તે ભાનમાં આવ્યો હોવાનું ફોરેસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ડુંગરની ટોચ પર આવેલા ટાઈગર હિલ નામે સ્થળથી મુંબઈ, થાણે, ભિવંડી આસપાસનો પરિસર નજરે પડે છે. આ પરિસરમાં રોજ મોર્નિંગ વૉક માટે આવનારાઓની સંખ્યા ઘણી છે. પરિણામે વાર્ષિક 319 રૂપિયાના પાસની સુવિધા પણ રાખવામાં આવી છે.