49 દિવસ પછી મીરા રોડના રામભક્તોની ટુકડી પહોંચી અયોધ્યા, આપી આ ભેટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મહારાષ્ટ્રમાં મીરા રોડમાં બે સમુદાયના લોકો વચ્ચે ધમાલ થઈ હતી, તેનાથી દેશમાં મીરા રોડ લોકજીભે ચઢી ગયું હતું. આ જ મીરા-ભાયંદરથી રામ ભક્તોની એક ટીમ પગપાળા અયોધ્યા જવા નીકળી હતી. મુંબઈના મીરા-ભાયંદરથી નીકળેલા 300થી વધુ લોકોએ 49 દિવસ પછી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના દર્શન કર્યા હતા. રામ લલ્લાના દર્શન કરી અયોધ્યામાં શ્રી રામ મંદિરને એક ધનુષ-બાણની પણ ભેટ આપી હતી.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મીરારોડમાં હિંસા ફાટી નીકળી હતી, પણ મીરા-ભાયંદરથી અયોધ્યા જવા રવાના થયેલી ટોળીએ 49 દિવસોની યાત્રા પૂર્ણ કરી રામ લલ્લાના દર્શન કર્યા હતા. મીરા-ભાયંદરથી રવાના થયેલા આ રામભક્તોએ યાત્રા વિશે જણાવ્યું હતું કે 47 દિવસનો પ્રવાસ કરી અયોધ્યા પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ યાત્રામાં બે દિવસ વધુ લાગતાં 49 દિવસમાં મીરા રોડથી અયોધ્યાનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.
અયોધ્યા પગે ચાલીને જવાનું અમારા ગ્રૂપ માટે ખૂબ જ મુશ્કેલ હતું. યાત્રા દરમિયાન ઠંડી સાથે બીજી અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ પ્રભુ શ્રી રામની ભક્તિથી અમે આ યાત્રાને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. યાત્રા શરૂ થતાં દિવસ દરમિયાન રોજના 25-30 કિલોમીટર જેટલું ચાલતા હતા અને રાતે વિશ્રામ કરતાં હતા. વાસ્તવમાં અમે 47 દિવસમાં અયોધ્યા પહોંચવા માગતા હતા, પણ મુશ્કેલીઓને લીધે અમને બે દિવસ વધુ સમય લાગ્યો હતો એમ આયોજકે જણાવ્યું હતું.
મીરા-ભાયંદરથી નીકળેલી યાત્રાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ શુભેચ્છા આપી હતી અને રામ લલ્લાને ધનુષ બાણ પણ ભેટ આપ્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ મુખ્ય પ્રધાને આપેલા ધનુષ બાણને શ્રી રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું.
49 દિવસની મુસાફરી કરી આ યાત્રા 28 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી હતી. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ યાત્રાને રોકવામાં આવી હતી. આ યાત્રાનો સંપૂર્ણ ખર્ચ સ્થાનિક વિધાનસભ્યએ કર્યો હતો, એવો આયોજકે દાવો કર્યો હતો.