નૌકાદળનું મોટું પરાક્રમ વિદેશી જહાજને ચાંચિયાની ચુંગાલમાંથી છોડાવ્યું
મુંબઈ: ભારતીય નૌકાદળે મોટું પરાક્રમ કરી દેખાડ્યું છે. માલ્ટા દેશનો ધ્વજ ધરાવતા એક અપહરણ કરાયેલા માલવાહક જહાજને દરિયાઈ ચાંચિયાની ચુંગાલમાંથી છોડાવવામાં નૌકા દળને સફળતા મળી છે. આ માલવાહક જહાજ સોમાલિયાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકા દળને એક ઈમરજન્સી
મેસેજ મળ્યો હતો જેમાં સદર માલવાહક જહાજને અજાણ્યા છ જણ દ્વારા તાબામાં લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ જાણકારી મળ્યા પછી નૌકાદળે તાબડતોબ અપહરણ નાકામ બનાવતા દળ સાથે જહાજ રવાના કરી અપહરણ કરવામાં આવેલા જહાજને મદદ કરી હતી.
મળેલી માહિતી અનુસાર ૧૪ ડિસેમ્બરે અજાણ્યા છ જણ દ્વારા માલ્ટાના માલવાહક જહાજ એમવી રુએન પર દરિયાઇ માર્ગે અને હવાઈમાર્ગે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શુક્રવારે સદર જહાજના યુકેએમટીઓ (યુનાઈટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ)ના પોર્ટલ પરથી મુસીબતનો રેડિયો સંદેશો મોકલવામાં આવ્યો હતો. એના આધારે ભારતીય નૌકાદળને જહાજની અવસ્થાની જાણકારી મળતા યુદ્ધ જહાજ અને એક વિમાન મદદ માટે મોકલવામાં આવ્યા હતા. માલવાહક જહાજ પર ૧૮ કર્મચારી હતા. ભારતીય નૌકાદળ મદદ માટે આગળ આવ્યા પછી યુરોપિયન યુનિયન અને સ્પેન દ્વારા પણ મદદ માટે જહાજ રવાના કર્યા હતા.