આમચી મુંબઈ

પાલિકાની ચૂંટણી પહેલા યુતિ સરકારની મોટી લ્હાણી

મહાલક્ષ્મી રેસકોર્સ પર ભવ્ય સેન્ટ્રલ પાર્ક બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ કરે અને આચારસંહિતા તાત્કાલિક લાગુ પડી તે પહેલા મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવા આતુર મહારાષ્ટ્ર સરકારે સોમવારે મુંબઈમાં મહાલક્ષ્મીમાં ભવ્ય સેન્ટ્રલ પાર્ક ઊભો કરવાને લગતી જાહેરાત કરી હતી. એટલું જ નહીં પણ મુંબઈગરાને પોતાની તરફ વાળવાનો પ્રયાસરૂપે મુંબઈ સેન્ટ્રલ પાર્કથી લઈને મે, ૨૦૨૬ સુધીમાં રસ્તાનું કૉંક્રીટીકરણ પૂર્ણ કરવાનું અને છ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરા કરવાનું આશ્ર્વાસન પણ મહાયુતિની સરકારે આપ્યું હતું.

મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડની ખુલ્લી જગ્યા મળીને કુલ ૨૯૫ એકર આંતરારાષ્ટ્રીય દરજ્જાનો સેન્ટ્રલ પાર્ક ઊભો કરવામાં આવવાનો છે.

પ્રસ્તાવિત સેન્ટ્રલ પાર્કનો પ્લાન સોમવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એ સમયે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અને આર્કિટેક્ટ હાફીઝ કૉન્ટ્રેક્ટર હાજર હતા. આ સેન્ટ્રલ પાર્ક અંડરગ્રાઉન્ડ માર્ગે સીધો કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે. રેસકોર્સ અને તેના ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરતા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો દાવો સરકારે કર્યો છે.

મહાલક્ષ્મી રેસકોર્સ પરની ૧૨૫ એકર પર આંતરરાષ્ટ્રીય દરજ્જાનો સેન્ટ્રલ પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. કોસ્ટલ રોડની ૧૭૦ એકર જગ્યા એમ કુલ ૨૯૫ એકરની જગ્યા પર ભવ્ય સેન્ટ્રલ પાર્ક તૈયાર થશે. સેન્ટ્રલ પાર્ક નીચે ૧૦ લાખ ચોરસ ફૂટનું વૈશ્ર્વિક સ્તરનું સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ પણ વિકસાવવામાં આવવાનું છે. અહીં આંતરારાષ્ટ્રીય સ્તરની રમતો સહિત ખો-ખોે, કબડ્ડી જેવી રમત-ગમત માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે.મુલાકાતીઓ અહીં પાર્કમાં વોકિંગ કરતા ઘોડાની રેસ પણ જોઈ શકશે. સેન્ટ્રલ પાર્કની જમીન પર ફૂટપાથ સિવાયનું કોઈ પણ બાંધકામ નહીં હોય. આ સંપૂર્ણ ઉદ્યાન હશે. અહીં ટ્રાફિફનું મેનેજમેન્ટ સરળતાપૂર્વક થાય તે માટે સેન્ટ્રલ પાર્ક ૧,૨૦૦ મીટર લાંબા અંડર ગ્રાઉન્ડ માર્ગે કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવવાની છે. તે માટે ૫૫૦ કરોડના ટેન્ડર કાઢવામાં આવ્યા છે.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે આ પાર્ક માટે મેટ્રો-૩ રૂટ પરથી નેહરુ સાયન્સ સેન્ટર નજીકનું સ્ટેશન છે. આ સ્ટેશનને અંડરગ્રાઉન્ડ માર્ગે સેન્ટ્રલ પાર્ક સાથે જોડવામાં આવશે. આ અંડરગ્રાઉન્ડ રોડ ઍની બેસન્ટ રોડથી આગળ હાજી અલી સુધી જઈને પાર્કિગને જોડવામાં આવશે, ત્યાથી તે કોસ્ટલ રોડને જોડવામાં આવશે.



કોસ્ટલ રોડ અને સેન્ટ્રલ પાર્ક અંડરગ્રાઉન્ડ માર્ગે જોડાવવાથી સેન્ટ્રલ પાર્ક અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સમાં જનારી ભીડનું આયોજન કરી શકાશે. કોસ્ટલ રોડ પાર્કિંગમાં ૧,૨૦૦ ગાડી અને ૧૦૦ બસ પાર્ક કરવાની ક્ષમતા છે.

આ પ્રોજેક્ટને કારણે ૩૦૦ એકરમાં ઓક્સિજન પાર્ક તૈયાર થવાનો હોવાથી મુંબઈના પ્રદૂષણમાં ઘટાડો થવામાં મદદ મળશે એવો દાવો પણ યુતિ સરકારે કર્યો હતો.

આ પણ વાંચો…મુંબઈની ૩૦૦ એકર જમીનમાં ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’ ઊભું કરાશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button