અગ્નિવીરની ટ્રેનિંગ લઈ રહેલી યુવતીની મલાડમાં નેવીની હોસ્ટેલમાં આત્મહત્યા
મુંબઈ: ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકેની ભરતી માટેની તાલીમ લઈ રહેલી યુવતીએ મલાડના માલવણી વિસ્તારમાં આઈએનએસ હમલા સ્થિત હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાઈ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
માલવણી પોલીસના જણાવ્યા મુજબ આપઘાત કરનારી યુવતીની ઓળખ અપર્ણા નાયર (૨૦) તરીકે થઈ હતી. આ પ્રકરણે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કેરળમાં રહેતી નાયર બેઝિક ટ્રેનિંગ પૂરી કર્યા પછી છેલ્લા ૧૫ દિવસથી માલવણી વિસ્તારમાં આઈએનએસ હમલામાં તાલીમ હેઠળ હતી. સોમવારે સવારે નાયરની રૂમમેટ હોસ્ટેલની રૂમ પર પાછી ફરી ત્યારે દરવાજો અંદરથી લૉક હતો. વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.
નાયરની રૂમમેટે અન્ય તાલીમાર્થીઓ અને હોસ્ટેલના સ્ટાફને આ અંગે જાણ કરી હતી. રૂમનો દરવાજો તોડવામાં આવતાં સીલિંગ ફેન સાથે
ચાદર બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં નાયર મળી આવી હતી. નેવીના ડૉક્ટરને બોલાવવામાં આવતાં તેણે તપાસીને નાયરને મૃત જાહેર કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રેમપ્રકરણને પગલે યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું.
૨૦૨૨માં રજૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના હેઠળ સશસ્ત્ર દળમાં જે જવાનોની ભરતી કરવામાં આવે તેને અગ્નિવીર કહે છે.
ગયા મહિને પંજાબના માનસા જિલ્લાના અગ્નિવીર અમૃતપાલ સિંહે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સેન્ટ્રી ડ્યૂટી દરમિયાન પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી.