આઠ માસૂમ બાળકને વેચનારી ટોળકી પકડાઈ
અંધેરીના દંપતીએ ડ્રગ્સ માટે બે સંતાનને વેચ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રૂપિયા માટે માસૂમ બાળકોને મુંબઈ, પાલઘર, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં વેચનારી ચાર મહિલા સહિત આઠ જણની ધરપકડ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ માટે બે સંતાનને વેચનારાના અંધેરીના દંપતીને તાબામાં લીધા બાદ તેમની પૂછપરછમાં ટોળકીની માહિતી સામે આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૯ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શબ્બીર સમશેર ખાન, તેની પત્ની સાનિયા ખાન, શકીલ મૌલાબક્ષ મકરાની, ઉષા અનિલ રાઠોડ, માનિક નરસૈયા ભંડારી ઉર્ફે અમ્મા, વૈશાલી મહેન્દ્ર ફગાડિયા, શફીક હારુન શેખ ઉર્ફે સાહિલ અને બાળકૃષ્ણ ભીકાજી કાંબળે તરીકે થઈ હતી. ૨૯ નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ ગુમ બાળકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા રાજ્યભરમાં ઑપરેશન મુસ્કાન-૧૨ હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુમ બાળકોની તપાસ દરમિયાન પોલીસને અંધેરી પશ્ર્ચિમના ડી. એન. નગર પરિસરમાં રહેતા દંપતીની માહિતી મળી હતી. ડ્રગ્સના બંધાણી આ દંપતીએ નશીલા પદાર્થ મેળવવા માટે પોતાના બે વર્ષના બાળકને ૬૦ હજાર રૂપિયામાં અને બે મહિનાની બાળકીને ૧૪ હજાર રૂપિયામાં વેચી દીધી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસે દંપતી અને બાળકીને વેચાતી લેનારા શખસને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી છોડાવાયેલી બાળકીને બાળ કલ્યાણ સમિતિની દેખરેખમાં સોંપાઈ હતી. દંપતીએ તેમનાં સંતાનોને વેચવા માટે બે જણની મદદ લીધી હોવાનું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. આ બન્ને જણ બાળકો વેચનારી ટોળકી સાથે સંકળાયેલા હોવાની માહિતી પણ મળી હતી.
તપાસ દરમિયાન પોલીસે આ કેસમાં ચાર મહિલા સહિત આઠ જણની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં આઠ બાળક વેચ્યાં હોવાની કબૂલાત કરી હતી. મુંબઈ સહિત પાલઘર, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં બાળકો વેચવામાં આવ્યાં હોવાનું આરોપીએ જણાવતાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. બાળકો કોને વેચવામાં આવ્યાં છે તેની વિગતો આરોપીઓ પાસેથી મેળવવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.