વિદેશી મહિલાએ ખોવાઈ ગયેલું પર્સ પાછું મેળવી આપવા માન્યો પોલીસનો આભાર
મુંબઈ: દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાનું પર્સ ખોવાઈ ગયું હતું. એડિસ અબાબા નામના શહેરમાંથી મુંબઈ આવેલી મહિલાના પર્સમાં ૨૨૦૦ ડોલર્સ અને ૧૩૫ દિરહામ જેટલી રોકડ રકમ હતી. આ પર્સ મુંબઈ પોલીસે શોધી મહિલાને પરત કર્યું હતું.
મુંબઈ આવેલી આ મહિલાને તેનું પર્સ ખોવાઈ ગયું હોવાની જાણ થતાં તેણે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી અને પર્સ એરપોર્ટના કર્મચારીઓને મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એરપોર્ટના કર્મચારીઓએ આ પર્સને પોલીસ સ્ટેશનના મિસિંગ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યું હતું.
આ પર્સમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે આઇડી કાર્ડ ન હતું જેથી પોલીસને પર્સના માલિકની સાચી ઓળખ કરવામાં મુશ્કેલી આવી હતી, પણ મહિલાએ આપેલી દરેક માહિતી અને પર્સમાંથી મળેલી રકમ સમાન હોવાથી મહિલાને પર્સ પાછું આપવામાં આવ્યું હતું.
મહિલાને પર્સ પાછું મળતા ખુશ થઈ હતી તેણે પોલીસ અને એરપોર્ટ સ્ટાફનો આભાર પણ માન્યો હતો. આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી એ કહ્યું કે આ પર્સને સુરક્ષાની સાથે તેના માલિકને પરત કરવામાં પોલીસ ટીમને સફળતા મળી છે.