વાકોલામાં દારૂડિયા પિતાએ ચાકુના ઘા ઝીંકી પુત્રની કરી હત્યા

મુંબઈ: દારૂડિયા પિતાએ ઝઘડો થયા બાદ ચાકુના ઘા ઝીંકી 17 વર્ષના પુત્રની હત્યા કરી હોવાની ઘટના વાકોલા વિસ્તારમાં બની હતી. વાકોલા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધીને પિતા દિનેશકુમાર ગુપ્તા (44)ની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશનો વતની ગુપ્તા તેની પત્ની અને બે સંતાન સાથે વાકોલામાં વાઘરીવાડા ખાતે રહે છે. ગુપ્તા દારૂ ઢીંચીને ઘરે આવતો હોવાથી આ બાબતને લઇ પુત્ર આલોક (17) સાથે તેનો ઝઘડો થતો હતો. આલોક પાર્ટ-ટાઇમ જોબ કરતો હતો.
આ પણ વાંચો: હોળીના દિવસે દારુ પીવા મુદ્દે ઝઘડો થતા પતિએ પત્નીની કરી નાખી હત્યા
રવિવારે સાંજે ગુપ્તા દારૂના નશામાં ઘરે આવ્યો હતો, જેને પગલે આલોક સાથે ફરી તેનો ઝઘડો થયો હતો. આથી રોષે ભરાયેલોે ગુપ્તા રસોડામાંથી ચાકુ લઇ આવ્યો હતો અને તેણે આલોક પર ચાકુથી હુમલો કર્યો હતો. આલોકની ચીસો સાંભળીને તેની બહેન પ્રીતિ તથા પડોશીઓ ઘરમાં દોડી આવ્યા હતા. ઘાયલ આલોકને તેઓ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં વાકોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આલોકની બહેનની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને ગુપ્તાની ધરપકડ કરી હતી અને ચાકુ પણ જપ્ત કર્યું હતું.