મંત્રાલયને ટાર્ગેટ કરતી ફેસબુક પોસ્ટ બદલ ગુનો દાખલ
મુંબઈ: મરાઠા ક્રાંતિ મોરચાની માગણી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે મંત્રાલયની ઇમારતને આગ ચાંપવાનું અને દસ્તાવેજોનો નાશ કરવાનું સૂચન કરતો ઉશ્કેરણીજનક મેસેજ ફેસબૂક પર પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ફેસબૂક પોસ્ટનો વાંધાજનક પ્રકાર અને તેને કારણે સંભવિત રીતે જાહેર શાંતિમાં અવરોધ પેદા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં મરીન ડ્રાઇવ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
મરાઠા ક્રાંતિ મોરચા નામે ફેસબૂક પેજ પર મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને આ અંગે માહિતી મળતાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આવું ફેસબૂક પેજ નિર્માણ કરવા માટે અને વાંધાજનક મેસેજ પોસ્ટ કરવા માટે જવાબદાર નાગરિક વિશે સાયબર પોલીસ માહિતી ભેગી કરી રહી છે. આરોપીને ઓળખવા માટે ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી)નું પગેરું મેળવવામાં આવી રહ્યું છે.
૩૧ ઑક્ટોબરે રાતે ૯.૩૦ વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે શાન માને નામે ફેસબૂક ગ્રૂપ બનાવાયું છે. મરાઠા ક્રાંતિ મોરચાના સમૂહમાં માનેએ મેસેજ મૂક્યો કે મંત્રાલયની ઇમારતને આગ ચાંપવી જોઇએ અને વિધિસર દસ્તાવેજોનો નાશ કરવો જોઇએ, જેનાથી સમાજમાં ઉશ્કેરણી થવાની સંભાવના છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આથી અમે કલમ ૫૦૫ (૧) (જનતામાં ડર પેદા કરવો અથવા ચેતવણી આપવી) સહિત ભારતીય દંડસંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, એમ અધિકારીએ કહ્યું હતું.