આમચી મુંબઈ

માનવતસ્કરી બદલ અમદાવાદના વૃદ્ધ વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: નકલી કાર્ય અનુભવના પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ત્રણ જણને યુનાઇટેડ કિંગડમ (યુકે) ખાતે ગેરકાયદે મોકલવાનો પ્રયાસ કરવા બદલ અમદાવાદના ૭૪ વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિત્તરંજન દવે શુક્રવારે વહેલી સવારે મોરિશિયસ જતી ફ્લાઇટ પકડવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર ખાતે હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

ઇમિગ્રેશન અધિકારીને તુરંત ખ્યાલ આવ્યો હતો કે માનવ તસ્કરી માટે દવે વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આથી તેને અટકાયતમાં લેવાયો હતો. બાદમાં તેની પૂછપરછ કરાઇ હતી, જેમાં તેણે કબૂલ્યું હતું કે ૨૦૧૬માં તેણે ગુજરાતથી કમસેકમ પંદર લોકોને અલગ અલગ યુરોપિયન દેશોમાં મોકલ્યા છે. ઇમિગ્રેશન અધિકારીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીના મોબાઇલમાં વિગતો તપાસતાં તે માનવ તસ્કરીમાં સંડોવાયેલો હોવાના નક્કર પુરાવા મળ્યા છે. એક વ્હૉટસઍપ ચેટમાં તો ખુલ્લેઆમ એવું લખાયું છે કે આરોપી નકલી કાર્ય અનુભવ પ્રમાણપત્રો મારફત લોકોને યુરોપમાં જવામાં મદદકરે છે.

આરોપી જેમને યુરોપિયન દેશોમાં મોકલતો એ તમામને એક કંપનીના કર્મચારી હોવાનું બતાવતો હતો. જોકે ઉમેદવારોએ યુકેમાં ગયા બાદ આ બોગસ દસ્તાવેજોને આધારે નોકરી માટે અરજી કરવાની રહેતી હતી. આરોપીના મોબાઇલમાંથી મળેલા પુરાવાને આધારે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button