ગેરકાયદે બાંધકામ કરનાર ઉમેદવાર નહીં લડી શકે પાલિકાની ચૂંટણી
મુંબઈ: ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિ હવેથી રાજકીય પક્ષોની મહાપાલિકા અને નગર પરિષદોની ચૂંટણીઓ નહીં લડી શકે, કારણ કે મહાપાલિકા ચૂંટણી લડનાર ઉમેદવારે અરજી ફોર્મ ભરતા પહેલા પોતાના કુટુંબના કોઈ વ્યક્તિએ કોઈપણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ કર્યું નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરાવવું પડશે.
મહાપાલિકા ચૂંટણી પહેલા પ્રતિજ્ઞાપત્ર અંગેની કલમ ૧૬.૫માં સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુજબ, રાજ્ય ચૂંટણી પંચે બુધવારે હાઇ કોર્ટને જણાવ્યુ હતું કે ઉમેદવારે ગેરકાયદે બાંધકામો ન કર્યું હોવાનું નિરીક્ષણ કરાવવું ફરજિયાત રહેશે. પુણેના સામાજિક કાર્યકર્તા શંતનુ નંદગુડે દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીને બુધવારે મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરીફ ડૉક્ટરની ખંડપીઠ સામે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં ખંડપીઠે રાજ્ય ચૂંટણી પંચને અરજીમાં કરેલી માગણી મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્દેશ અનુસાર વકીલ સચિન્દ્ર શેટયે દ્વારા રાજ્ય ચૂંટણી પંચને તેમની ભૂમિકા વિશે જાણ કરવામાં આવી હતી.
અદાલતના છઠ્ઠી સપ્ટેમ્બરે આપેલા
આ નિર્ણયને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે મહાપાલિકા અને નગર પરિષદની ચૂંટણી લડનારા ઉમેદવારના પતિ કે પત્ની અને તેમના સંતાનો દ્વારા કોઈપણ પ્રકારનું બાંધકામ કર્યું ન હોવાનું પ્રમાણ પત્ર જમા કરાવવું બંધનકારક હશે, તેવો નિર્ણય લીધો હતો. આ માહિતી વકીલ શેટયેએ અદાલતને આપી હતી.
આ નિર્ણય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ લાગુ થશે?
ગ્રામ પંચાયત સમિતિ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે કે? તેવો પ્રશ્ર્ન અદાલતે ચૂંટણી પંચને કર્યો હતો. અને આ વિશે ચૂંટણી પંચને પોતાનો નિર્ણય રજૂ કરવા અદાલતે ૨૧ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
પુણેના સામાજિક કાર્યકર્તા શંતનુ નંદગુડે દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહાપાલિકા અને ગ્રામપંચાયત ચૂંટણી લડનાર ઉમેદવારે કોઈપણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ન કર્યું હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત જમા કરાવવાનું રહેશે અને જો ઉમેદવાર દ્વારા કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હશે તો તેની ઉમેદવારી અરજીને રદ કરવામાં આવે તેવી વિનંતી આ અરજીમાં કરવામાં આવી હતી.