વેપારીને ગોદામમાં બંધક બનાવી મારપીટ કરી,નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતાર્યો: છ જણ સામે ગુનો દાખલ
મુંબઈ: આર્થિક લેવડદેવડમાં વાંધો પડતાં ચેમ્બુરના વેપારીને ઘાટકોપરના ગોદામમાં બંધક બનાવી તેની મારપીટ કરવા અને નિર્વસ્ત્ર કરીને તેનો વીડિયો ઉતારવા પ્રકરણે છ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં દવાના વિતરકોનો પણ સમાવેશ છે. એક આરોપીએ પોતાની ઓળખ ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાગરીત તરીકે આપી હતી અને નાણાં વહેલી તકે ચૂકતે કરી દેવાની ધમકી આપી હોવાનો વેપારીએ દાવો કર્યો હતો.
ચેમ્બુર સ્થિત દવાના વિતરક જિતેન્દ્ર ગુલવાનીની ફરિયાદને આધારે પોલીસે સિદ્ધાર્થ ત્રિવેદી, વિનિત અને ધ્રૂવ સહિત છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.
ગુલવાનીએ ત્રણ વિતરક પાસે જૂનમાં દવાઓ મગાવી હતી અને અમુક રકમ ચૂકવી દીધી હતી, પણ મોટી રકમ ચૂકવવાની બાકી હતી. ૧૦ ઑક્ટોબરે ગુલવાનીને દવાના વિતરકે ઘાટકોપરમાં એલબીએસ રોડ પર પોતાના ગોદામમાં નાણાં વિશે ચર્ચા કરવા બોલાવ્યો હતો, જ્યાં અન્ય ત્રણ વિતરક તથા અજાણ્યા શખસો પણ હાજર હતા.
અજાણ્યા શખસોએ ગુલવાનીને ધમકાવવાનું અને મારવાનું શરૂ કર્યું હતું. પઠાણ નામના શખસે પોતે દાઉદ ગેન્ગનો સાગરીત હોવાનું જણાવીને વેપારીના પેટ પર છરો મૂક્યો હતો. પઠાણે બાદમાં વેપારીને નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતાર્યો હતો. ઉપરાંત બાકીના પૈસા નહીં ચૂકવે તો વીડિયો દવાના વિતરકોમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. એ સિવાય ગુલવાનીની દીકરીનો પણ આવો જ વીડિયો ઉતારવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
મારપીટ અને ધમકી આપ્યા બાદ ગુલવાનીને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. તેણે પ્રથમ હોસ્પિટલ જઇને સારવાર લીધી હતી. આરોપીઓ દ્વારા વારંવાર ધમકી આવતાં આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.