સુધરાઈની હૉસ્પિટલમાં બાયોમિથેનેશન પ્લાન્ટ ઊભો કરાશે
કચરા પર પ્રક્રિયા કરી બાયોગૅસ બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાંથી નીકળતા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી બાયોગૅસ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. પાલિકાએ પોતાની પાંચ હૉસ્ટિલોમાં બાયોમિથેનેશન પ્લાન્ટ માટે સપ્લાય, ઈન્સ્ટોલેશન, પરીક્ષણ જેવા કામ માટે બિડ આમંત્ર્યા છે, જે દરરોજ બે મેટ્રિક ટન ભીના કાર્બનિક કચરા પર પ્રક્રિયા કરશે.
હૉસ્પિટલમાં ઊભા થનારા આ પ્લાન્ટમાંથી નિર્માણ થનારા ઈંધણનો ઉપયોગ પાલિકાની હૉસ્પિટલની કેન્ટીનમાં તેમ જ સ્ટ્રીટ લાઈટ માટે કરવામાં આવશે. એક વર્ષ માટે દરેક પ્લાન્ટની સ્થાપના અને જાળવણી માટે અંદાજિત ખર્ચ આશરે એક કરોડ રૂપિયા અપેક્ષિત છે.
શહેરને પહેલો મિની બાયોમિથેનેશન પ્લાન્ટ ૨૦૨૧માં ‘ડી’ વોર્ડમાં હાજીઅલી નજીક સ્થાપવામાં આવ્યો હતો. પ્લાન્ટની ક્ષમતા બે મેટ્રિક ટન ભીના કચરા પર પ્રક્રિયા કરીને ૩૦૦ પાવર યુનિટમાં કરવાની છે. હવે આવા બીજા પ્લાન્ટ પરેલની કે.ઈ.એમ. હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ, શીવરીની ટીબી હૉસ્પિટલ અને નાયર હૉસ્પિટલમાં ઊભા કરવાની પાલિકાની યોજના છે.
આ પ્રોજેક્ટ હેઠળ હૉસ્પિટલમાંથી પ્રતિદિન નીકળતા ભીના કચરાને બાયોગૅસમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનો ઉપયોગ હૉસ્પિટલના રસોડામાં કરવામાં આવશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લાન્ટને કારણે કચરો કચરો ભેગો કરવાની, તેના પર પ્રક્રિયા કરવાની, કચરાના ટ્રાન્સર્પોટેશન ખર્ચની સાથે જ હૉસ્પિટલના રસોડામાં રાંધવાના ખર્ચમાં ઘટાડો કરશે.
પાલિકાની હૉસ્પિટલમાં આ પ્લાન્ટ સફળ થાય તો પછી આવા જ પ્લાન્ટસ અન્ય જગ્યાએ પણ ઊભા કરવાની પાલિકાની યોજના છે, જેમાં મુખ્યત્વે પાલિકાની વોર્ડમાં આવેલી ઓફિસનો સમાવેશ થાય છે.
પાલિકાનું આ પગલું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ, ૨૦૧૬ને આધારિત છે, જેમાં કચરાનું વ્યવિસ્થત મેનેજમેન્ટ કરવા પર ભાર આપવામાં આવ્યો છે. આ યોજનાથી મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી કચરાને પહોંચાડવામાં થતા ખર્ચની બચત થશે.
મુંબઈમાં પ્રતિદિન નીકળતા કચરાનું વ્યવસ્થાપન કરવાનું પડકારજનક કામ કહ્યું છે. હાલ શહેરમાં દરરોજ લગભગ ૬,૩૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે. આ સમસ્યાનો અમુક અંશે ઉકેલ લાવવા માટે પાલિકાએ ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી હાઉસિંગ સોસાયટીઓ થવા બલ્ક જનરેટરો (જથ્થાબંધ કચરો ) અથવા દરરોજ ૧૦૦ કિલો કરતા વધુ કચરાનું નિર્માણ કરનારા માટે ને તેમના જ પરિસરમાં કચરા પર ફરજિયાત પ્રક્રિયા કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે તેમાંથી માત્ર ૫૦ ટકા બલ્ક જનરેટરો નિયમોનું પાલન કરે છે.