સંભાજીનગરમાં કેબિનેટની બેઠક સામે મોટો પડકાર
૭૩ આંદોલનનું આયોજન, ૧૮ લોકોએ આત્મદહન કરવાની માગી પરવાનગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં કેબિનેટની બેઠકનું આયોજન કરવાની મહત્વાકાંક્ષી અને આ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણ માટેની મોટી પહેલ કરી હતી, પરંતુ આ પહેલ સરકારને ભારે પડી શકે એવું વાતાવરણ સર્જાયું છે. ૧૬મી સપ્ટેમ્બરે કેબિનેટની બેઠક સંભાજીનગરમાં થવાની છે અને ૧૭મી સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કેન્દ્રીય
ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કાર્યક્રમ થવાનો છે. જોકે આ બે દિવસમાં ૭૩ આંદોલન અને ૧૮ આત્મદહનની પરવાનગી માગવામાં આવી છે.
રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત થનારી ૧૬ તારીખની કેબિનેટની બેઠક અને ૧૭ તારીખના અમિત શાહના કાર્યક્રમ વખતે વિવિધ પ્રકારના આંદોલનો કરવા માટેની પરવાનગી વહીવટીતંત્ર પાસે માગવામાં આવી છે. આ ઉપરાંત આ બે દિવસમાં આત્મદહન કરવા માટેની પરવાનગી ૧૮ લોકો દ્વારા માગવામાં આવી છે. મોર્ચા માટે ૮, ઉપવાસ માટે પાંચ અને ધરણા આંદોલનો માટે ત્રણ અરજીઓ મળી છે.
જાણવા મળ્યા મુજબ મરાઠા આરક્ષણ માટે જાલનામાં ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આંદોલનો માટે પરવાનગી માગવામાં આવી છે. આ ઉપરાંત આદર્શ, મલકાપુર, અજંટા બેંકમાં જેમના પૈસા અટવાયા છે તેમણે પોતાના પૈસા પાછા મળે તે માટે આંદોલનની પરવાનગી માગી છે. મુસ્લિમ, ઓબીસી અને ધનગર સંગઠનો દ્વારા આરક્ષણની માગણી માટે આંદોલન કરવાની પરવાનગી માગવામાં આવી છે.
મરાઠવાડાના સિંચાઈ વિભાગના અનુશેષને ઝડપથી પૂરો કરવામાં આવે તેની માગણી સાથે આંદોલનની પરવાનગી માગવામાં આવી છે.
દુકાળ જાહેર કરવાની માગણીના સમર્થનમાં મોરચો કાઢવાની પરવાનગી માગવામાં આવી છે.