આમચી મુંબઈ

થાણેના બાલ્કમથી મુલુંડ સુધી ૨૨ કિલોમીટર લાંબી વોટર ટનલ બંધાશે

પાણીની પાઈપલાઈનનો પર્યાય કૉંક્રીટ વોટર ટનલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાઈપલાઈનમાં થતું ગળતર અને ભંગાણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઈપલાઈનના પર્યાયરૂપે કૉંક્રીટ વોટર ટનલ બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. છેલ્લા થોડા મહિનામાં અનેક વખત પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પાણીપુરવઠો ખોરવાઈ જતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેથી વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈનનું સ્થાન કૉંક્રીટ વોટર ટનલ લેશે. ઘાટકોપર-પરેલ અને ઘાટકોપર-ટ્રૉમ્બે વચ્ચે વોટર ટનલ માટે ખોદકામ ચાલી રહ્યું છે અને હવે થાણેના યેવઈ-કશેલીથી મુલુંડ વચ્ચે ૨૨ કિલોમીટર લંબાઈની વોટર ટનલ બાંધવામાં આવવાની છે.

થાણે જિલ્લામાં આવેલા જળાશયોમાંથી પાણીની પાઈપલાઈનના જાળા મુંબઈ સુધી પથરાયેલા છે અને આ પાઈપલાઈનના નેટવર્કથી મુંબઈગરાને દરરોજ પાણી પુરવઠો કરવામાં આવે છે. હાલ જોકે મુંબઈ સહિત થાણેમાં મેટ્રો લાઈન સહિતના અનેક વિકાસના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, તેને કારણે બ્રિટિશ કાળની પાણીપુરવઠાની સિસ્ટમને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે ત્યારે નવી બાંધવામાં આવનારી વોટર ટનલ હાલ અસ્તિત્વમાં રહેલી સિસ્ટમને બાયપાસ કરશે.

પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુના જણાવ્યા મુજબ આ વોટર ટનલ જમીનથી ૧૦૦ મીટર નીચે હશે, તેથી તેના ફાટવાની અને તેમાં ભંગાણ પડવાની શક્યતા ઘટી જશે. આ વોટર ટનલનું કામ મુંબઈની હદની બહાર થવાનું હોવાથી તેને પૂર્ણ થવામાં સમય લાગશે. હાલમાં આ પ્રોજેક્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે. પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે અને તેની પાછળ કેટલો ખર્ચ થશે તેનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવામાં આવવાનો છે.

અત્યાર સુધીમાં પાલિકાએ ઘાટકોપરથી ટ્રામ્બે સુધીની ટનલ માટેનું ખોદકામ પૂરું કર્યું છે. તો ઘાટકોપર-પરેલ વચ્ચેની ૯.૭ કિલોમીટર લંબાઈની ટનલમાંથી ૮.૫ કિલોમીટર સુધીનું ખોદકામ અત્યાર સુધી પૂરું થઈ ગયું છે. ૨૦૨૬ સુધીમાં આ ટનલને ચાલુ કરવાનું આયોજન છે. આ નવી ટનલ કુર્લા, ભાયખલા, સાયન, વડાલા, માટુંગા, દાદર અને પરેલ વિસ્તારમાં રહેલી પાણી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ રહેશે. વોટર ટનલ ઊંચી ક્ષમતાની હોવાને કારણે પાણીના ગળતર અને પાણી દૂષિત થવાની શક્યતા પણ નહીવત્ થઈ જશે.

પાલિકાએ આગામી સમયમાં મરોલ, માહિમ, મલબારહિલ અને ક્રોસ મેદાન, વેરાવલી, યોરી રોડ, ગુંદવલી અને ભાંડુપ કૉમ્પ્લેક્સ વચ્ચે મોટી અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવવાની યોજના બનાવી છે. આવી જ ટનલ પવઈ, વેરાવલી અને ઘાટકોપર વચ્ચે પણ બનાવવાનું આયોજન છે.

નોંધનીય છે કે જુદા જુદા વિકાસકાર્ય માટે ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાના અનેક બનાવ છેલ્લા થોડા દિવસોમાં બની ગયા છે, જેમાં ચાલુ વર્ષે ૩૦ માર્ચના થાણેના વાગલે એસ્ટેટમાં એક ખાનગી કૉન્ટ્રેક્ટર દ્વારા ૨,૩૪૫ મિલિમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનને બે વખત નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે ૩૦ લાખ લિટર પાણી વેડફાયું હતું. તો પાઈપલાઈનના સમારકામમાં ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ૩૦ નવેમ્બરના મેટ્રો લાઈન-છના કૉન્ટ્રેક્ટરે વેરાવલી રિઝર્વિયર મેઈન ઈનલેટ પાઈપલાઈનને નુકસાન પહોંચાડયું હતું તેને કારણે એક કરોડ લિટર પાણીનો વેડફાટ થયો હતો અને તેના સમારકામમાં ૫૦ કલાકનો સમય લાગ્યો હતો. ચાર ડિસેમ્બરના દહિસર (પૂર્વ)માં ખાનગી કૉન્ટ્રેક્ટર દ્વારા ૩૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker