પુણેમાં 17 વર્ષના સગીરે મહિલાને કાર નીચે કચડવાનો કર્યો પ્રયાસ
પુણેમાં પોર્શે કાર અકસ્માતને હજી મહિનો વીત્યો નથી ત્યાં…

પુણે: પુણેમાં વિવાદ થયા બાદ મહિલાને કાર નીચે કચડવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે 17 વર્ષના સગીરને તાબામાં લીધો હતો.
વડગાંવ ઘેનાંદ ગામમાંના આળંદી વિસ્તારમાં શનિવારે આ ઘટના બની હતી, જેમાં મહિલાને નજીવી ઇજા પહોંચી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કાર પૂરપાટ વેગે ચલાવીને મહિલાને કચડવાનો પ્રયાસ કરાયો હોવાનું નજરે પડે છે.
આ પણ વાંચો: પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી
પિંપરી ચિંચવડ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સગીર અને મહિલાના પરિવારજનો વચ્ચે થયેલા વિવાદનું પરિણામ છે.
શનિવારે સગીરે વિવાદ થયા બાદ મહિલાના પતિ અને સસરાને ગાળો ભાંડી હતી. સગીર બાદમાં કારમાં બેઠો હતો અને તેણે મહિલા તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત:સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર અને,કર્મચારીને 14 દિવસની અદાલતી કસ્ટડી
સગીરે બાદમાં પૂરપાટ વેગે કાર હંકારીને મહિલાને ટક્કર મારી હતી, જેમાં તેને નજીવી ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે સગીરને તાબામાં લીધો હતો. તેનેે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયા બાદ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો હતો. સગીર સામે પુખ્ત તરીકે કેસ ચલાવવા માટે પરવાનગી માગવા પોલીસે અરજી કરી હતી.
સગીર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) તથા મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેના કલ્યાણનગર જંકશન ખાતે 19 મેના મળસકે 17 વર્ષની ટીનેજરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા અને અશ્ર્વિની કોશ્ટાનાં મોત થયા હતા. ટીનેજર એ સમયે દારૂના નશામાં હતો, એવો પોલીસે દાવો કર્યો હતો. (પીટીઆઇ)