100 વર્ષ જૂનો કેસ, જેમાં આરોપીને કેરીની ચોરી માટે દોષી ઠેરવાયા, જાણો શું થઇ સજા….
જૂનું એટલું સોનું એમ આપણે માનીએ છીએ, ભલે પછી એ કોઇ વસ્તુ હોય, દુર્લભ ચીજ હોય કે કોઇ જૂના દસ્તાવેજ હોય. જોકે, કોઇ વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ અચાનક મળી આવે તો આપણે તો એને રદ્દી સમજીને ફેંકી જ દઇએ, પણ કોઇ વકીલને આવા વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ મળી આવે તો એને કેટલી બધી ખુશી થાય એ તો આપણે કલ્પી જ નથી શકતા. આવા જ એક બનાવમાં મહારાષ્ટ્રના થાણેમાં એક વકીલને 100 વર્ષ જૂના કેસની નકલ મળી આવી હતી, જેમાં કોર્ટે કેરીની ચોરીના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આદેશની આ નકલ તે સમયની કાનૂની કાર્યવાહીની ઝલક આપે છે.
આ પણ વાંચો: Loksabha Election-2024: આ લોકોના બંને હાથની Index Finger પર લગાવવામાં આવે છે Ink…
કોર્ટના આદેશની આ નકલ વર્ષ 1924ની છે. 5 જુલાઈ, 1924 ના રોજના આદેશમાં, તત્કાલિન મેજિસ્ટ્રેટ ટીએ ફર્નાન્ડિસે ચાર લોકોને કેરીની ચોરી માટે દોષિત ઠેરવ્યા હતા અને ચેતવણી સાથે તેમને મુક્ત કર્યા હતા કારણ કે તેઓ બધા યુવાન હતા અને તેઓ સજા કરીને તેમનું જીવન બરબાદ કરવા માંગતા ન હતા. વકીલ પુનિત મહિમકરે જણાવ્યું હતું કે થાણે શહેરમાં તેમના જૂના મકાનમાંથી સ્થળાંતર કરતી વખતે તેમને વર્ષોથી દાવો કર્યા વિનાની એક બેગ મળીઆવી હતી, જે કદાચ અગાઉના રહેવાસીઓએ ઘરમાં છોડી દીધી હતી. જ્યારે તેમણે બેગ ખોલી તો તેમને અંદરથી મિલકતના કેટલાક જૂના દસ્તાવેજો અને મેજિસ્ટ્રેટના આદેશની નકલ મળી હતી.
આ પણ વાંચો: Driving Licenceના નિયમમાં કરાયો આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
એમાં ‘ક્રાઉન વિ. એન્જેલો અલ્વારેસ અને અન્ય 3’ શીર્ષકવાળા કેસ સાથે સંબંધિત કોર્ટનો આદેશ હતો, જેમાં “185 લીલી કેરી” ની ચોરી માટે ભારતીય દંડ સંહિતાની કલમ 379/109 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. આરોપીઓ બોસ્ટિયાવ એલિસ એન્ડ્રાડેનના ખેતરમાંથી કેરીઓ તોડતી વખતે રંગે હાથે પકડાયા હતા.
સાક્ષીઓએ આરોપીઓને સ્થાનિક વેપારીને ચોરેલી કેરીઓ વેચતા જોયાની જુબાની આપી હતી, એન્ડ્રાડેને કાયદેસરની કાર્યવાહી કરી કેરીઓ પાછી મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. બચાવ પક્ષે નિર્દોષ હોવાની દલીલ કરી હોવા છતાં મેજિસ્ટ્રેટે ચોરીના આરોપીને દોષિત ઠેરવ્યો હતો. મેજિસ્ટ્રેટે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ‘સમગ્ર પુરાવાઓને ધ્યાનમાં લેતા, મને જાણ થઇ છે કે આરોપીઓ ચોરીના ગુનામાં દોષિત છે, પરંતુ તેઓ બધા યુવાન છે અને તેમને સજા કરીને તેમનું જીવન બરબાદ કરવાની મારી કોઈ ઈચ્છા નથી આમ છતાં, હું તેને કલમ 379 અંતર્ગત દોષી માનું છું અને તેમને ચેતવણી આપ્યા બાદ છોડવાનો હુકમ કરું છું.’
વકીલ મહિમકરે જણાવ્યું હતું કે તેઓ આ દસ્તાવેજને હવે સાચવીને રાખશે.