બૅન્ક એકાઉન્ટ – આધાર કાર્ડ લિંક ન હોવાથી ૯૬,૮૧૧ ખેડૂતો સરકારી મદદથી વંચિત
નાગપુર: મહારાષ્ટ્રના ૯૬,૮૧૧ ખેડૂતોના બૅન્ક એકાઉન્ટ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવ્યા હોવાથી ‘નમો શેતકરી નિધિ યોજના’ના લાભથી તેઓ વંચિત રહી ગયા છે એવી જાણકારી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ ગુરુવારે વિધાનસભામાં આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર તરફથી ખેડૂતોને આર્થિક સહાય આપવા યોજના દાખલ કરવામાં આવી હતી.
ગૃહને આપેલા લેખિત જવાબમાં મુંડેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય મેળવનારા કુલ લાભાર્થીઓમાંથી ૯૬,૮૧૧ બૅન્કના ખાતેદારો રાજ્યની યોજનાનો લાભ નથી મેળવી શક્યા, કારણ કે આ વર્ષની ૨૬ ઑક્ટોબર સુધી તેમનો આધાર નંબર બૅન્ક એકાઉન્ટ સાથે લિંક નહોતો કરવામાં આવ્યો. હાલ ચાલી રહેલા વિધાનસભાના શિયાળુ અધિવેશનમાં એઆઇએમઆઇએમના વિધાન સભ્ય મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખલીકએ પૂછેલા સવાલના જવાબમાં પ્રધાને આ પ્રમાણે ઉત્તર આપ્યો હતો. વધુ માહિતી આપતા પ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના બૅન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડને લિંક કરવા માટે લાભાર્થીઓએ સ્થાનિક સરકારી કાર્યાલયમાં હાજર થઈ લિંક કરવાની વિધિ પૂર્ણ કરવી પડશે. એ વિધિ પૂરી થતાની સાથે યોજનાના લાભ લાભાર્થીઓને મળવાનું ચાલુ થઈ જશે. (પીટીઆઈ)