આમ ભ્રષ્ટાચાર ક્યાંથી ખતમ થશે! ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા 96 કર્મચારીઓને BMCએ કામ પર પાછા લીધા
મુંબઇઃઆરટીઆઇના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી સસ્પેન્શન સમીક્ષા બેઠકમાં ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા 96 કર્મચારીઓને કામ પર પાછા લીધા છે. આ માહિતી આપતા આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આવા કારણોને લીધે જ ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો નબળા પડે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી સસ્પેન્શન સમીક્ષા બેઠકમાં, 96 કર્મચારીઓને પાછા લીધા હતા. આ બધાને ફોજદારી અને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. RTI દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે તેમાંથી 19 સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે, જ્યારે અન્ય 77 સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જીતેન્દ્ર ઘડગે નામના આરટીઆઇ કાર્યકર્તા દ્વારા આ માહિતી મેળવવામાં આવી છે, જે મુજબ BMCએ નવેમ્બર 2020, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 2023ના ડિસેમ્બર અને માર્ચ 2024માં એમ પાંચ વખત સમીક્ષા બેઠક યોજી છે. એમ પણ જાણવા મળ્યું છે કે ભૂષણ ગગરાણીની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયાના એક અઠવાડિયા પછી, 96 સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓને કામ પર પાછા લેવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારના આરોપીઓમાંથી 28ને શહેરના એન્જિનિયરિંગ વિભાગમાં, 13ને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ચીફ એન્જિનિયરની જગ્યાઓ પર, 9ને લાઇસન્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હેઠળ અને પાંચને આરોગ્ય વિભાગમાં અને કેટલાકને અલગ-અલગ વોર્ડ ઓફિસમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
ફોજદારી કેસોના આરોપી અધિકારીઓમાંથી 12ને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગમાં અને બેને કર્મચારી વિભાગમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે હજી સુધી એકપણ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા નથી અને હાલમાં તેમની સુનાવણી ચાલી રહી છે.
“મ્યુનિસિપલ કમિશનર વ્યક્તિગત કેસની સ્થિતિના આધારે સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકોમાં આ નિર્ણયો લે છે. આ એવા અધિકારીઓ છે જેમને કેટલાક વર્ષોથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેમનો કેસ હજુ પેન્ડિંગ છે અથવા ચાલુ છે, તેથી તેમની બિન-કાર્યકારી પદ પર નિમણૂક કરવામાં આવે છે, જ્યાં તેઓનો જનતા સાથે સીધો સંબંધ ઓછો હોય છે. જો તેઓ દોષિત ઠરે તો તેમને તરત જ બરતરફ કરવામાં આવે છે,” એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.
આરટીઆઇ કાર્યકરે જણાવ્યું હતું કે , ‘BMC જાહેર હિતમાં નહીં, પરંતુ ભ્રષ્ટ અને શક્તિશાળી લોકોના હિતમાં કામ કરી રહી છે. તેના ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા હોવા છતાં, કોઈપણ BMC કમિશનર દ્વારા સિસ્ટમને સાફ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.’
Also Read –