મુંબઈમાં ૯૫ ટકા દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં જુદા જુદા વોર્ડમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી મુંબઈમાં ૯૫ ટકા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠીમાં દેવનાગરી લિપીમાં લાગી ગયા હોવાનું જણાઈ આવ્યું છે.
પાલિકાના લાઈસન્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મુંબઈના ૨૪ વોડમાં દરરોજ ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં અત્યાર સુધી ૩૦,૪૭૪ જગ્યાએ પાલિકાના અધિકારીએ ઈન્સ્પેકશન કર્યા છે, જેમાં સોમવાર, ૧૧ ડિસેમ્બરના એક જ દિવસમાં ૨૪ વોર્ડમાં કુલ ૩,૩૨૩ જગ્યાએ ઈન્સ્પેકશન કરવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ
૨૮ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયમાં અત્યાર સુધી કુલ ૨૮,૯૫૯ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટે નામના પાટિયા મરાઠીમાં કર્યા છે, જેમાં સોમવારની વિઝિટ દરમિયાન ૩,૧૭૫ નામના પાટિયા મરાઠીમાં લખેલા જણાઈ આવ્યા હતા. તો ૨૮ નવેમ્બરથી ૨૦૨૩થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં કરવામાં આવેલા ઈન્સ્પેકશન દરમિયાન હજી સુધી ૧,૫૧૫ના નામના પાટિયા મરાઠીમાં લખેલા ન હોવાનું જણાઈ આવ્યુ હતું, જેમાં સોમવારે ૧૧ ડિસેમ્બપના ૧૪૮ દુકાનોના નામના બોર્ડ મરાઠીમાં નહીં લખેલા જણાઈ આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી મરાઠીમાં પાટિયાના નામ નહીં લખનારાને નોટિસ મોકલવામાં આવી છે અને કોર્ટ તેમની પાસેથી દંડ વસૂલ કરશે. નિયમ મુજબ ૨,૦૦૦ રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બોક્સ
થાણેમાં ૪૭૬ને નોટિસ
થાણે મહાનગરપાલિકા દ્વારા પણ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠીમાં નહીં લખવા બદલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. થાણે શહેરમાં અત્યાર સુધી ૪૭૬ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને નોટિસ આપવામાં આવી હોવાનું થાણે પાલિકાએ જણાવ્યું હતું. કોપરી-નૌપાડામાં ૨૮, માજિવડા-માનપાડામાં ૩૪, લોકમાન્ય ટિળક નગર-સાવરકર નગરમાં ૭૬, ઉથળસરમાં ૧૪૫, વર્તકનગરમાં પાંચ, મુંબ્રામાં ૪૧, દિવામાં ૧૨૦, વાગળેમાં ૧૩ અને કળવામાં ૧૪નો સમાવેશ
થાય છે.