કસ્ટમ્સે જપ્ત કરેલું સોનું સસ્તામાં અપાવવાની લાલચે 9.86 કરોડની ઠગાઈ: મહિલાની ધરપકડ
પકડાયેલી બોગસ સરકારી વકીલ વિરુદ્ધ છેતરપિંડીના સાત ગુના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સે જપ્ત કરેલું સોનું સસ્તી કિંમતે અપાવવાની લાલચે 9.86 કરોડ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બોગસ મહિલા સરકારી વકીલની ધરપકડ કરી હતી. આરોપી મહિલા અલગ અલગ નામે અનેક લોકોને છેતરી ચૂકી હોઈ તેની વિરુદ્ધ સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.
ડી. એન. નગર પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ શ્વેતા અનિલ બડગુજર (56) તરીકે થઈ હતી. અંધેરી પશ્ર્ચિમમાં મોડેલ ટાઉન ખાતે રહેતી શ્વેતા વિરુદ્ધ બાન્દ્રામાં ત્રણ અને મુલુંડ, વાકોલા, કાંદિવલી તેમ જ ઓશિવરા પોલીસ સ્ટેશનોમાં એક-એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસનું કહેવું છે.
આ પ્રકરણે અંધેરી પશ્ર્ચિમના ગિલ્બર્ટ હિલ પરિસરમાં રહેતી નૂતન આયરેએ નોંધાવેલી ફરિયાદને આધારે ડી. એન. નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અમુક મહિના પહેલાં આરોપી શ્વેતા બડગુજર અને તેની બહેનપણી સ્વાતિ જાવકરે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. શ્વેતાએ પોતાની ઓળખ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે આપી હતી અને તે સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એમ જણાવ્યું હતું.
શ્વેતાનો ભાઈ કસ્ટમ્સ વિભાગનો સિનિયર અધિકારી છે. વળી, કસ્ટમ્સની બીજી અધિકારી માધવી સાથે પણ ઓળખાણ હોવાથી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલા સોનાની લિલામીની તેને પહેલેથી જાણ થતી હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું. આ સોનું સસ્તી કિંમતે અપાવવાની લાલચે આરોપીએ રૂપિયા પડાવ્યા હતા.
સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં ફરિયાદીએ 1.91 કરોડ રૂપિયા અને તેની ઓળખીતી વ્યક્તિઓએ 7.95 કરોડ રૂપિયા આરોપીને ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે બાદમાં રૂપિયા ચૂકવનારી વ્યક્તિઓને સોનું મળ્યું નહોતું અને રૂપિયા પણ પાછા આપવામાં આવ્યા નહોતા. રૂપિયા પાછા માગવા પર ફરિયાદી અને તેના પતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આરોપીએ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં શ્વેતાની સાથી સ્વાતિ અને દર્શન દેસાઈ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી શ્વેતા વારંવાર પોતાનું રહેઠાણ બદલતી હતી. તે પુણેમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ પુણે પહોંચી હતી. સ્થાનિક ચંદન નગર પોલીસની મદદથી શ્વેતાને તાબામાં લેવાઈ હતી.