ઉચ્ચ ગુણવત્તાવાળું 86 લાખનું ચરસ જપ્ત: ત્રણ આરોપી પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ-પાલઘર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ સપ્લાય કરનારા ત્રણ આરોપીને વિરાર અને દહાણુથી પકડી પાડી પોલીસે 86 લાખથી વધુ રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ કૈલાસ જનાર્દન તામોરે (36), સંકેત વિજય તામોરે (32) અને નિકેશ રમેશ દવણે (37) તરીકે થઈ હતી. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીને કોર્ટે 7 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારની રાતે વિરારના ખરાડતારા બ્રિજ નીચેના સર્વિસ રોડ ખાતે પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમની નજર શંકાસ્પદ રીતે ફરી રહેલા કૈલાસ પર પડી હતી. તાબામાં લેવાયેલા કૈલાસની તપાસ કરતાં તેની પાસેથી અંદાજે 11 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. દહાણુમાં રહેતો કૈલાસ ચરસ વેચવાને ઇરાદે વિરાર આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.
પૂછપરછમાં કૈલાસે આપેલી માહિતીને આધારે પોલીસ દહાણુના ચિંચણીમાં રહેતા તેના સાથીઓ સુધી પહોંચી હતી. સંકેત અને નિકેશના ઘરમાંથી 7.650 કિલો ચરસ મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી મળી આવેલા 86.13 લાખ રૂપિયાના ચરસને જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.