દિવાળીમાં આગ લાગવાના ૭૯ બનાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટે ફકત બે કલાકની (રાત્રે ૮ થી ૧૦વાગ્યા સુધી) મુદત આપી છે, છતાં કેટલાંક સ્થળોએ નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે આગની સંખ્યામાં વધારો થયો હતો. શહેરમાં આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાના ૭૯ કોલ નોંધાયા હતા.
લક્ષ્મી પૂજનના દિવસે શહેરમાં ફટાકડાના કારણે ૨૭ આગની ઘટનાઓ બની હતી. આવી જ એક ઘટનામાં જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં એક બિલ્ડિંગના ૧૩મા માળે બાલ્કનીમાં રોકેટ ઘૂસી જતાં આગ ફાટી નીકળી હતી. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાલ્કનીઓમાંથી અથવા ઊંચી ઇમારતોના ટેરેસ પર ફટાકડા ફોડવાનું ચલણ વધ્યું છે. તેથી, એવું જોવામાં આવ્યું છે કે દિવાળી દરમિયાન શહેરમાં આગના કેસોની સંખ્યા વધી
રહી છે.
મુંબઈ ફાયર બ્રિગેડને દરરોજ આગ ઓલવવા માટે સરેરાશ ૧૪ કોલ આવે છે.
શહેરમાં ૨૦૨૧માં આગ બુઝાવવા માટે ૬૫ કોલ નોંધાયા હતા, જ્યારે ફટાકડાના કારણે ગયા વર્ષે તે ૩૭ હતા. દિવાળી દરમિયાન આગની સંખ્યામાં વધારો થાય છે, મોટે ભાગે ફટાકડાને કારણે અને દીવા અથવા ઇલેક્ટ્રિક ઓવરલોડને કારણે લાગતી હોય છે. આગની આવી ઘટનાઓને રોકવા માટે, ફાયર બ્રિગેડે ઝૂંપડપટ્ટી અને ચાલમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. ૯ થી ૧૫ નવેમ્બર દરમિયાન ફાયર અધિકારીઓ દ્વારા લગભગ ૧૬૯ પ્રવચનો કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરતી એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી હતી.
બોક્સ
ફટાકડાને કારણે લાગેલી આગ
૧૦ નવેમ્બર ૦૪
૧૧ નવેમ્બર ૦૪
૧૨ નવેમ્બર ૨૭
૧૩ નવેમ્બર ૧૩
૧૪ નવેમ્બર ૧૯