પરેલ સ્ટેશન પાસે 78 વૃક્ષો કાપવાને લઈને વિવાદ ઘેરાયો, મુંબઈગરા નારાજ
મુંબઈના પરેલ રેલ્વે સ્ટેશન નજીક આવેલા 78 જૂના વૃક્ષોને કાપવાની યોજનાને લઈને વિવાદ ઊભો થયો છે. મધ્ય રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન બાંધવા માટે આ પગલું ભર્યું છે. આ લાઇન ટાટા મિલ કમ્પાઉન્ડમાંથી સંપાદિત જમીન પર બાંધવામાં આવનાર છે. જો કે પર્યાવરણ કાર્યકરો અને સ્થાનિક રહીશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ વૃક્ષો 45 વર્ષથી વધુ સમયથી છે અને તેમને કાપવાથી મુંબઈના પહેલાથી જ ખરાબ થયેલા ગ્રીન કવર અને હવાની ગુણવત્તા પર ઊંડી અસર પડશે.
લોકો BMC TRA ઓથોરિટીના પારદર્શી વહીવટના અભાવ અંગે સવાલ ઊભા કર્યા છે. લોકોએ જણાવ્યું હતું કે આ વૃક્ષો કાપવા માટે પાલિકાએ અહીંના વિસ્તારમા નોટિસ લગાવી હતી. આ નોટિસ 4 ડિસેમ્બર, 2024ની તારીખની છે અને 20 ડિસેમ્બરના રોજ બીએમસીએ તેને જારી કરી છે કારણ કે તેના પર સહી કરનારની તારીખ 20 ડિસેમ્બર લખેલી છે. આ નોટિસો પણ ઝાડની પાછળ એવી રીતે લગાવવામાં આવી છે કે આવતા-જતા લોકોને તે નજરે પણ ના પડે. આને કારણે લોકોને તેમના વાંધા-સૂચનો રજૂ કરવા માટે 30 દિવસનો મોકો જ નથી મળ્યો. લોકોના વિરોધનું એક કારણ એ પણ છે કે આ 78 વૃક્ષોમાંથી માત્ર 2 વૃક્ષોનું સ્થળાંતર કરવાની દરખાસ્ત છે.
Also read: શિવ રેલવે ફ્લાયઓવર તોડી પાડવામાં આવશે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પર્યાવરણવિદો કહે છે કે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને વધુ વૃક્ષોને બચાવી શકાય છે. વોચડોગ ફાઉન્ડેશને રેલ્વે અને બીએમસીને વૃક્ષો કાપવાનું બંધ કરવા અને જાહેર પરામર્શ પ્રક્રિયા શરૂ કરવા તેમ જ વૈકલ્પિક માર્ગો અને બાંધકામ કાર્યની પદ્ધતિઓ પર વિચાર કરવા વિનંતી કરી છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ અને ગ્રીન કવરના ઘટતા સ્તર વચ્ચે એક સવાલ મુંબઇગરાઓના મનમાં સતત થઇ રહ્યો છે કે વિકાસ પ્રોજેક્ટ્સમાં પર્યાવરણની અવગણના કરવી શું યોગ્ય છે?