વસઈ-વિરારના ૬૯ ગામને ટૂંક સમયમાં સૂર્યા પ્રકલ્પથી મળશે વધારાનું પાણી
વસઈ: વસઈ-વિરાર વિસ્તારના ૬૯ ગામોને ટૂંક સમયમાં સૂર્યા પાણી પ્રોજેક્ટથી વધુ પાણી મળશે. સૂર્યા પ્રોજેક્ટની વોટર ચેનલો વસઈ સુધી નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ ૧૪૦ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થઇ રહેશે. આ ઉપરાંત ગામડાઓમાં પાણીની પાઈપ નાખવામાં આવી છે અને પાણીના દબાણની ચકાસણી ચાલી રહી છે. જેના કારણે વસઈના પશ્ર્ચિમ પટ્ટાના ગામડાઓને આગામી થોડા દિવસોમાં પાણી મળશે.
વસઈ વિરાર નગરપાલિકા વિસ્તારના ૬૯ ગામોને કુવા જેવા કુદરતી પાણીના સ્ત્રોત પર આધાર રાખવો પડતો હતો. ૨૦૦૮માં મહારાષ્ટ્ર લાઈફ ઓથોરિટી દ્વારા ૬૯ ગામડાઓ માટે નળ દ્વારા પીવાનું પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ૧૫ વર્ષ પછી પણ ગામના લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ થયું નથી. આ ૬૯ ગામોમાંથી ૨૬ ગામોને પાણી આપવામાં આવી રહ્યું છે બાકીના ૪૩ ગામોમાં પાણીની સમસ્યા છે. હવે વસઈ-વિરાર શહેરને સૂર્યા વોટર પ્રોજેક્ટમાંથી વધુ ૧૬૫ મિલિયન લિટર પાણી મંજૂર કરવામાં આવ્યું છે. તેમાંથી શહેરને હાલમાં ૧૦૦ મિલિયન લીટર પાણી મળી રહ્યું છે. જેથી હવે ટૂંક સમયમાં આ ૪૩ ગામોને પણ પાણી પુરું પાડવામાં આવશે. એમએમઆરડીએ દ્વારા સૂર્ય પાણી પ્રોજેક્ટ યોજના હેઠળ ! ૧,૬૫૦ મિલિયન લિટર પાણી મંજૂર કરવામાં આવ્યું છે અને હાલમાં ૧૦૦ મિલિયન લિટર પાણી આવી રહ્યું છે.