65 કરોડની છેતરપિંડીઃ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિત 13 સામે ગુનો
આરોપીઓ સાથે કડી ધરાવતા સાત સ્થળે આર્થિક ગુના શાખાની સર્ચ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરમાંથી પસાર થતી મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે મુંબઈ મહાનગરપાલિકાના ત્રણ અધિકારીઓ, પાંચ કોન્ટ્રેક્ટર અને ત્રણ વચેટિયા સહિત 13 જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કૌભાંડને કારણે પાલિકાને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. દરમિયાન આર્થિક ગુના શાખાએ આરોપીઓ સાથે કડી ધરાવતા સાત સ્થળોએ સર્ચ હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે, ડેપ્યુટી ચીફ એન્જિનિયર ગણેશ બેન્દ્રે અને તાયશેટ્ટી સહિત મેટપ્રોપ કંપનીના દીપક મોહન, કિશોર મેનન, મે. વિરગો સ્પેશ્યાલિટીસ પ્રા. લિ.ના જય જોશી, વ્હોડર ઇન્ડિયા એલએલપીના કેતન કદમ અને કોન્ટ્રેક્ટર ભૂપેન્દ્ર પુરોહિત તથા એક્યુટ ડિઝાઇનિંગ, કૈલાશ ક્ધસ્ટ્રકશન, એનએ ક્ધસ્ટ્રક્શન, નિખિલ ક્ધસ્ટ્રક્શન, જેઆરપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલકો સામે મંગળવારે ભારતીય દંડસંહિતાની કલમ 406, 409, 420, 465, 468, 471 અને 120-બી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાલિકાના અધિકારીઓએ ડિસિલ્ટિંગ કોન્ટ્રેક્ટ માટે ટેન્ડર એવી રીતે તૈયાર કર્યું હતું કે તેનાથી કામ માટે જરૂરી મશીનરીના ચોક્કસ સપ્લાયરને ફાયદો થયો. વધુમાં કોન્ટ્રેક્ટરોએ ગાળને મુંબઈ બહાર લઇ જવા માટે બોગસ બિલ બનાવ્યા હતા.
તપાસ અનુસાર મેટપ્રોપના દીપક મોહન અને કિશોર મેનને પાલિકાને 3.09 કરોડ રૂપિયાના ખર્ચે સિલ્ટ પૂશર અને મલ્ટિપર્પસ એમ્ફિબિયસ પેટૂન મશીનો ઓફર કર્યાં. પાલિકાના અધિકારીઓની એક ટીમે કેરળમાં પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને બાદમાં પાલિકાએ બરાબર એ જ સ્પષ્ટીકરણ સાથે ટેન્ડર બહાર પાડ્યા, જેથી કોઇ પણ કોન્ટ્રેક્ટરને ફક્ત મેટપ્રોપ મશીનો ખરીદવા અથવા ભાડે રાખવાની જરૂર પડે.
ડીસીપી સંગ્રામસિંહ નિશાનદારે જણાવ્યું હતું કે અમારી પાસે પુરાવા છે કે જ્યારે કોન્ટ્રેક્ટર મશીન ખરીદવા માટે મેટપ્રોપ પાસે ગયો ત્યારે તેમણે તેને એક વચેટિયા પાસે મોકલ્યો હતો, જેણે આઠ કરોડ રૂપિયામાં બે વર્ષ માટે મશીન ભાડા પર આપવાની ઓફર કરી હતી અને બાદમાં ચાર કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું. બાદમાં ભિવંડીમાં જમીનમાલિકો સાથે કરાયેલા નવ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કોન્ટ્રેક્ટરોએ રજૂ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નદીમાંથી કાઢવામાં આવેલા ગાળને ત્યાં નાખવામાં આવશે.
આ પણ વાંચો પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ
જોકે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે કેટલાક એમઓયુ પર કોન્ટ્રેક્ટરને બદલે બીજી વ્યક્તિએ હસ્તાક્ષર કર્યા છે. કેટલાક પર કોન્ટ્રેક્ટરના હસ્તાક્ષર જ નથી, જ્યારે અમુક પર તારીખ નખાઇ નથી. આ એમઆયુ બાબતે જમીનમાલિકોની પૂછપરછ કરતાં તેમણે આવા કોઇ એમઆયુ કર્યા ન હોવાનું, એમઓયુ પર તેમના હસ્તાક્ષર ન હોવાનું અને તેમની જગ્યા પર ગાળ નાખવામાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
એક કિસ્સામાં તો ‘જમીનમાલિક’ 20 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. એસઆઇટીને જાણવા મળ્યું હતું કે જમીનનો એક ટુકડો જ્યાં ગાળ નાખવામાં આવવાનો હતો ત્યાં તો રો-હાઉસ હતા. એક્યુટ ડિઝાઇન્સ, કૈલાશ કન્સ્ટ્રક્શન કંપની, એનએ કન્સ્ટ્રક્શન, નિખિલ કન્સ્ટ્રક્શન તેમ જ જેઆરએસ ઇન્ફ્રાસ્ટ્રકચર પર બોગસ એમઓયુ રજૂ કરવાનો ગંભીર આરોપ છે.