મોબાઈલ અને કાર્સ પર ડિસ્કાઉન્ટની લાલચે 65.73 લાખની છેતરપિંડી

થાણે: કીમતી મોબાઈલ ફોન્સ અને કાર્સ પર ડિસ્કાઉન્ટ્સની ખાતરી આપી નવી મુંબઈના પાંચ જણ સાથે 65.73 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કામોઠે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપી હતી. 40 દિવસમાં કંપનીની કૂપન્સ મારફત કીમતી મોબાઈલ ફોન્સ અને કાર્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની ખાતરી આપી ફરિયાદી અને અન્યોને રોકાણ કરવા લલચાવ્યા હતા.
આરોપીઓની વાતોમાં આવી પાંચ જણે ઑગસ્ટ, 2023થી જાન્યુઆરી, 2024 દરમિયાન 65.73 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે રૂપિયા ચૂકવ્યા પછી આરોપીઓ દ્વારા ફોન્સ અને કાર્સની ડિલિવરી કરવામાં આવી નહોતી. વધુમાં ઉડાઉ જવાબ મળતાં 34 વર્ષની મહિલાએ કામોઠે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદને આધારે પોલીસે સોમવારે મુંબઈના દંપતી સહિત ચાર આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 34 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)