ફી બાકી હોવાથી બીએસસીના ૬ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત

મુંબઈ: નવી મુંબઈની એક કોલેજે ફીની બાકી રકમ ધરાવતા વિદ્યાર્થીઓને સેમિસ્ટરની પરીક્ષામાં બેસવા દીધા ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓની વાર્ષિક અભ્યાસક્રમની થોડી જ ફી ભરવાની બાકી હોવા છતાં કોલેજે આ રકમ ચૂકવ્યા વિના એડમિટ કાર્ડ ઇશ્યુ કરવાની મનાઈ કરી હતી.
પરિણામે, નવી મુંબઈમાં ઓરિએન્ટલ એજ્યુકેશન સોસાયટીની સાનપાડા કોલેજ ઓફ કોમર્સ એન્ડ ટેક્નોલોજીના છ વિદ્યાર્થીઓને બીએસસી આઈટી વિષયની ત્રીજા સેમિસ્ટરની પરીક્ષા ચૂકી જવાનો વારો આવ્યો હતો.
શુક્રવારે બીએસસીઆઈટીનું સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું પેપર હતું. વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે કોલેજમાં ફીની અમુક રકમ જમા કરાવી હતી. જોકે, કોલેજે સ્ટેન્ડ લીધો હતો કે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી ૭૫ ટકા ફી ભરવી જોઈએ, નહીં તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસમાં મોટી રકમ ચૂકવવી શક્ય ન હોવાથી ૬ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂકી ગયા હતા.
‘જો વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો તેમના રિઝલ્ટ પાછળ રાખો, કોલેજ વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકી શકે નહીં. બોમ્બે યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગે આ અંગે કોલેજને પૂછવું જોઈએ. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓને તેમના પેપરને ફરીથી લેવાની તક આપવી જોઈએ’, શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ફિયાઝ શેખે માંગ કરી હતી. આ અંગે કોલેજના બીએસસી આઈટી વિભાગના વડા પ્રો. વિદુલા કુલકર્ણીને વિદ્યાર્થીઓની ફરિયાદ વિશે પૂછપરછ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.