આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫૦ ટકા વધારા સાથેનું ૫૯,૯૫૪ કરોડ રૂપિયાનું પુરાંતવાળું બજેટ

કોઈ પણ પ્રકારના કરવેરા વધારા વગરનું ચૂંટણીલક્ષી બજેટ માળખાકીય સુવિધા સહિત વિકાસ કામો માટે ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૪-૨૫ના આર્થિક વર્ષ માટે ૫૯,૯૫૪.૭૫ કરોડ રૂપિયાનું બજેટ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે શુક્રવારે રજૂ કર્યું હતું. આગામી સમયમાં ચૂંટણીઓ હોવાથી કરવેરામાં કોઈ દરવધારો નહીં કરતા મુંબઈગરાને વધુમાં વધુ સેવા-સુવિધા, નવા માળખીય પ્રોજેક્ટ, વિકાસ કામ, આરોગ્ય સુવિધા માટે મોટા પાયા પર જોગવાઈ સાથેનું ૫૮.૨૨ કરોડ રૂપિયાના પુરાંતવાળા બજેટમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપ સરકારની છાપ જોવા મળી હતી.

પાલિકામાં કમિશનર તરીકેનો કારભાર મે, ૨૦૨૦થી સંભાળી રહેલા ઈકબાલસિંહ ચહલે પોતાના કાર્યકાળમાં પાલિકાનું ચોથું બજેટ રજૂ કર્યું હતું. તો પાલિકામાં નગરસેવકોની મુદત સાત માર્ચ, ૨૦૨૨ના પૂરી થયા બાદ આઠ માર્ચ, ૨૦૨૨થી પ્રશાસક તરીકે તેમનું આ બીજું બજેટ છે.

શુક્રવારે કમિશનરે ૨૦૨૪-૨ના આર્થિક વર્ષ માટે રજૂ કરેલું ૫૯,૯૫૪.૭૫ કરોડ રૂપિયાનું બજેટ ગયા વર્ષના બજેટની સરખામણીમાં ૧૦.૫૦ ટકા વધુ છે. પાલિકાએ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ૨૮,૧૨૧ કરોડ રૂપિયા મહેસુલી ખર્ચો અને ૩૧,૭૭૪ કરોડ રૂપિયા મૂડીલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. બજેટમાં આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

૨૦૨૩-૨૪માં પાલિકાનું બજેટ ૫૪,૨૫૬.૦૭ કરોડ રૂપિયા હતું. નોંધનીય છે કે પાલિકાએ તેના ૨૦૨૩-૨૪ના વર્તમાન બજેટમાં જોગવાઈ કરી હતી, તેમાંથી અત્યાર સુધી માત્ર ૪૦.૮૬ ટકા એટલે કે ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૧૦,૩૪૩.૩૮ કરોડ રૂપિયા જ ખર્ચયા છે.

કોઈ પણ નાના રાજ્ય કરતા પણ મોટું બજેટ ધરાવતા અને પાલિકાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવા છતાં પાલિકાએ પોતાના શિક્ષણ બજેટમાં કાપ મૂક્યો છે. નવા આર્થિક વર્ષમાં શિક્ષણ માટે ફક્ત ૩,૪૯૭.૮૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગયા આર્થિક વર્ષમાં શિક્ષણ વિભાગનું ૩,૨૦૩.૦૮ કરોડ રૂપિયાનું બજેટ હતું. આરોગ્ય માટે બજેટમાં ૭,૧૯૧.૧૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે કુલ બજેટના ૧૨ ટકા છે. એ સિવાય પાલિકાએ બેસ્ટ ઉપક્રમને ૯૨૮.૬૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. પાલિકાએ માળખાકીય સુવિધા માટે ધરખમ કહેવાય એમ ૩૧,૭૭૪.૫૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (વર્સોવાથી દહિસર અને મીરા રોડ સહિ) માટે રૂપિયા ૪,૨૫૦ કરોડ રૂપિયા, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૪,૦૯૦ કરોડ રૂપિયા, વોટર સપ્લાય માટે ૩,૪૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં બહાર આવતા દર્દીઓ માટે ફી વસૂલવા માટે અલગ ધોરણ અમલમાં મૂકવા માટે અભ્યાસ કરવામાં આવવાનો છે. દહિસર અને માનખુર્દમાં આવેલા પાલિકાના જકાત નાકાની જગ્યા પર પ્રસ્તાવિત જગ્યામાં ટ્રાન્સપોર્ટ હબ અને તેમ જ વધારાની પોઈન્ટ ૫૦ એફએસઆઈમાંથી પ્રાપ્ત થનારી આવક ૫૦ ટકાને બદલે ૭૦ ટકા હિસ્સો પાલિકાને મળે એવી માગણી પ્રસ્તાવિત કરી છે અને તે બાબતે સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું કમિશનરે કહ્યું હતું. એ સાથે જ કોસ્ટલ રોડ માટે મોટા પ્રમાણમાં કેપિટલ એક્પેન્ડીચરની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આર્થિક સર્વેક્ષણ કરવા માટે ક્ધસલ્ટન્ટની નીમણૂક કરવામાં આવવાની હોવાનું પણ કમિશનરે કહ્યું હતું.

આવકમાં ઘટાડો
મુંબઈગરાના મન જીતવા માટે જુદી જુદી યોજના, વિકાસ કામ, પ્રોજેક્ટ અને સુખ-સુવિધા માટે મોટી માત્રામાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ પાલિકાની આવકનો બીજો મોટો સ્ત્રોત ગણાતા પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી ઊભી થનારી આવકમાં ધરખમ ઘટાડો થયો છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી ૪,૯૫૦ કરોડ રૂપિયા સામે માત્ર ૬૦૫.૭૭ કરોડો રૂપિયા જ વસૂલ કરી શકી છે. જોકે ડેવલપમેન્ટ પ્લાનિંગ (ડીપી) ખાતાએ તેની સરભર કરી નાખી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર ૨૦૨૩ના અંત સુધીમાં ૪,૦૨૮.૧૮ કરોડ રૂપિયાની આવક થઈ છે. તો પાલિકાને પોતાના ઈન્વેસ્ટમેન્ટ પર ૨૦૨૩-૨૪માં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૧,૪૬૦.૮૩ કરોડ રૂપિયાની આવક થઈ છે અને માર્ચ ૨૦૨૩ સુધીમાં આ આંકડો ૧,૯૮૮.૧૪ કરોડ રૂપિયાને પાર કરશે. વર્ષ ૨૦૨૪-૨૫માં પાલિકાને પોતાના રોકાણ પર ૨,૨૦૬.૩૦ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત છે.

આઈટીટીથી આવક ઊભી કરાશે
પાલિકાને ડીપી અને રોકાણ પર મળેલા ઈન્ટરેસ્ટથી આવક થઈ રહી છે. જોકે પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થનારી આવકમાં ઘટાડો થયો છે. તેથી વધતા ખર્ચાને પહોંચી વળવા માટે પાલિકાએ ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષમાં ૧૧,૬૨૭.૫૪ કરોડ રૂપિયાની રકમ ઈન્ટરનલ ટેમ્પરરી ટ્રાન્સફર (આઈટીટી)ના માધ્યમથી ઊભી કરવાની યોજના બનાવી છે, જે હેઠળ પાલિકા પોતાની ફિક્સ ડિપોઝિટ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટીની રકમ તથા કૉન્ટ્રેક્ટરોએ ડિપોઝિટ કરેલી રકમ ઉપાડવામાં આવવાની છે.

બજેટમાં મુખ્યપ્રધાનની છાપ
બજેટમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની છાપ જણાઈ આવે છે, તેઓ જે પ્રોેજેક્ટ અને પ્રોગ્રામ મુંબઈમાં અમલમાં મૂકવા માગતા હતા, તે તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલીસી માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વિકલાંગ લોકો માટે ધર્મવીર આનંદ દિઘે દિવ્યાંગ અર્થસહાય યોજના માટે ૧૧૧.૮૩ કરોડ રૂપિયાની જોગવાઈ, મહિલા સ્વસહાય જૂથને એક લાખ રૂપિયાની મદદ વગેરે કરવામાં આવવાની છે. હિંદુહૃદય બાળાસાહેબ ઠાકરે અર્બન ગ્રીન પ્રોજેક્ટની યોજના હેઠળ ખુલ્લી જગ્યાઓ, બગીચાની જગ્યા અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની જગ્યા પર પાંચ લાખ વાંસ રોપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજન કેન્દ્ર ઊભા કરાશે. ડીપ ક્લીનિંગ ઝુંબેશ, મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ માટે પણ ભરખમ રકમ ફાળવવામાં આવી છે.

મહિલા સુરક્ષાને પ્રાધાન્ય
મુંબઈની તમામ મહિલાઓ ખાસ કરીને મોડી રાત સુધી કામ કરનારી મહિલાઓ પણ સુરક્ષિત રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ મહિલા સુરક્ષા અભિયાન હાથ ધરવાની છે. આ ઝુંબેશ માટે હેલ્પલાઈન ચાલુ કરવાની છે. તે માટે અલગથી ૧૦૦ કરોડ રૂપિયા અલગથી રાખવામાં આવ્યા છે. મહિલાઓ માટે ઍપ પણ વિકસાવવામાં આવશે, જ્યાં તેઓ ફરિયાદ કરી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…