સુધરાઈમાં આસિસ્ટન્ટ કમિશનરના ૫૦ ટકા પદ ખાલી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર પદની ૫૦ ટકા જગ્યા ખાલી પડી છે. કુલ ૩૫ પદમાંથી ફક્ત ૧૭ પદ ભરેલા છે. તો ૨૪માંથી ૧૧ વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર જ નથી. ૧૧ વોર્ડ ઓફિસમાં ખાલી પદની વધારાની જવાબદારી ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરના માથે નાખવામાં આવી છે. પાલિકામાં ખાલી પડેલી જગ્યાનો મુદ્દો મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભ્ય વર્ષા ગાયકવાડે શિયાળું અધિવેશમાં ઉપસ્થિત કર્યો હતો.
મહારાષ્ટ્ર લોકસેવા આયોગ મારફત મુંબઈ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર નિમણૂક કરવા માટે પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે છે. જોકે છેલ્લા થોડા વર્ષથી આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી ન હોવાથી આસિસ્ટન્ટ કમિશનરના ૫૦ ટકા પદ ખાલી છે. મુંબઈ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનરના કુલ ૩૫ પદે છે, તેમાંથી ૧૭ પદ પર પૂર્ણ સમય માટે અધિકારી છે. તો બાકીના ૧૮ પદ પર ઍન્જિનિયરોને વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. પૂર્ણ સમય માટે આસિસ્ટન્ટ કમિશનર નહીં હોવાથી અધિકારીઓને મહત્ત્વના કામ માટે નિર્ણય લેવામાં પણ મર્યાદા આવી જતી હોય છે.
૧૧ વોર્ડ ઓફિસમાં ખાલી પડેલા આસિસ્ટન્ટ કમિશર પદનો વધારાનો કારભાર ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરને સોંપવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ કમિશનર એ પ્રશાસકીય પદ છે. તેથી આ ખાલી પદ એમપીએસસીના માધ્યમથી તાત્કાલિક ભરવામાં આવે. આ પદ ખાલી હોવાથી અનેક જગ્યાએ કામ રખડી પડ્યા છે. તે જલદીમાં જલદી પૂરા કરવા માટે આસિસ્ટન્ટ કમિશનરોની ભરતી પણ જલદી કરવી એવી માગણી પણ વર્ષા ગાયકવાડે અધિવેશનમાં કરી હતી.