લાતુરની સરકારી કોલેજમાં પચાસથી વધુ વિદ્યાર્થિની ફૂડ પોઇઝનિંગનો શિકાર બની
લાતુરઃ મહારાષ્ટ્રના લાતુર શહેરમાં સરકારી કોલેજની હોસ્ટેલમાં રાત્રિભોજન કર્યા બાદ લગભગ ૫૦ વિદ્યાર્થીનીઓની હાલત બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના પુરનમલ લાહોટી સરકારી પોલિટેકનિકમાં બની હતી. આ હોસ્ટેલમાં ૩૨૪ વિદ્યાર્થિની રહે છે.
અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ ૭ વાગે વિદ્યાર્થીનીઓએ રોટલી, ભીંડાનું શાક,દાળ અને ભાતનું ભોજન લીધું હતું. રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીમાં તેમાંથી ઘણાને અસ્વસ્થતા અને કેટલીક વિદ્યાર્થીનીઓને ઉલ્ટી થવા લાગી હતી. આ માહિતી મળતાં જ કોલેજના પ્રિન્સિપાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને લાતુરની વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. ઉદય મોહિતેને જાણ કરી. પીડિત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ડો.મોહિતેએ જણાવ્યું કે મોડીરાત સુધી ૫૦ જેટલી વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમાંથી ૨૦ જણને સવારે ૩ વાગ્યા સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અન્ય ૩૦ વિદ્યાર્થિની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી કોઈની હાલત ગંભીર નથી.
કૉલેજના પ્રિન્સિપાલ વીડી નીતનાવરેએ કહ્યું કે ‘હોસ્ટેલની કેટલીક વિદ્યાર્થિનીઓ નાદુરસ્ત હોવાના સમાચાર મળ્યા પછી અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીડિત તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓની વ્યાપક આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. ચિંતા કરવાની કોઈ વાત નથી.
શિવાજીનગર પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સત્તાવાળાઓએ ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કર્યા, એમ તેમણે જણાવ્યું હતું. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું કારણ જાણી શકાશે.
ઘટનાની માહિતી મળ્યા બાદ લાતુરના સાંસદ શિવાજી કલગે વિદ્યાર્થિનીઓના હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોંગ્રેસના સાંસદે લાતુર જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા ઠાકુર ઘુગેનો પણ સંપર્ક કર્યો અને તેમને આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેવા વિનંતી કરી હતી.