ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા
વર્ચસ જમાવવાની હોડમાં જામીન પર છૂટેલા આરોપીને ગોળીએ દેવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ જમાવવાની હોડમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
ચુનાભટ્ટી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સુનીલ ઉર્ફે સન્ની બાળારામ પાટીલ (37), સાગર સંજય સાવંત (36), નરેન્દ્ર ગજાનન પાટીલ (42) અને આશુતોષ ઉર્ફે બાબુ દેવીદાસ ગાવંડ (25) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીઓને 12 દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
ચુનાભટ્ટીમાં આઝાદ ગલી પરિસરમાં રવિવારની બપોરે 3.15 વાગ્યાની આસપાસ આરોપીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. લગભગ 15 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા આવ્યા હતા. આ ઘટનામાં સુમિત યેરુણકર ઉર્ફે પપ્પુ (46)નું મોત નીપજ્યું હતું, જ્યારે આઠ વર્ષની બાળકી ત્રિશા શર્મા સહિત રોશન લોખંડે (30), મદન પાટીલ (54) અને આકાશ ખંડાગળે (31) જખમી થયાં હતાં. સારવાર માટે તેમને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગોળીબાર પછી આરોપી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ અને જખમીઓએ આપેલી માહિતી પરથી હુમલાખોરોની ઓળખ થઈ હતી. ચારેય આરોપી ચુનાભટ્ટી પરિસરના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓની શોધ માટે ઝોન-6માં આવેલાં પોલીસ સ્ટેશનોનાં ચુનંદા અધિકારીઓની નવ ટીમ બનાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક યેરુણકર અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. મૃતક અને આરોપી અગાઉ એક જ ટોળકીમાં સામેલ હતા. આ ટોળકી યેરુણકરને ઇશારે કામ કરતી હતી. જોકે યેરુણકરની ધરપકડ થતાં ટોળકીમાં ફાટફૂટ પડી ગઈ હતી.
ફેબ્રુઆરી, 2016માં ચુનાભટ્ટીમાં જ આવેલી બિલ્ડર જિજ્ઞેશ જૈનની ઑફિસમાં ગોળીબાર કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે યેરુણકરની ધરપકડ કરી હતી. હાલમાં સપ્ટેમ્બરમાં જ તે જામીન પર છૂટ્યો હતો. જામીન પર છૂટ્યા પછી તે ફરી પોતાનું વર્ચસ જમાવવાનો પ્રયાસ કરતો હતો અને આ જ કારણસર સન્ની પાટીલ સાથે તેનો વિવાદ થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ગુનામાં ચાર પિસ્તોલનો ઉપયોગ થયો હતો. આરોપીઓ પાસેથી શસ્ત્રો મળ્યાં નથી. પોલીસ શસ્ત્રોની તપાસ કરી રહી છે. જોકે ઘટનાસ્થળેથી પોલીસને રવિવારે એક પિસ્તોલ મળી આવી હતી. તે યેરુણકરની હતી કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.