
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શુક્રવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા પર ખાડાની સમસ્યા વધુ વકરી ગઈ છે. બુધવાર સાંજ સુધીના માત્ર ૨૪ કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૪૨ નવા ખાડા પડયાં હતા. પાલિકાના જણાવ્યા મુજબ પહેલી જૂનથી ૨૦ ઑગગસ્ટ દરમ્યાન શહેરમાં ખાડા સંબંધિત ૧૦,૮૦૩ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ૩,૩૫૬ ફરિયાદ છેલ્લા ૨૦ દિવસમાં જ નોંધાઈ છે.
મુંબઈગરા સોશ્યલ મીડિયા, પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલની હેલ્પલાઈન ૧૯૧૬ અને જૂનમાં લોન્ચ કરાયેલી ‘માય પોથોલ ક્વિક ફિક્સ’ મોબાઈલ એપ્લિકેશન સહિત અનેક ચેનલો દ્વારા ખાડાની ફરિયાદ નોંધે છે. મોબાઈલ ઍપ્લિકેશન પર ફરિયાદ વધુ આવે છે, જેમાં અત્યાર સુધીમાં ૯,૧૧૦ ફરિયાદ આવી છે. પાલિકાએ ખાડા માટે એક લાઈવ ડેશ બોર્ડ પણ શરૂ કર્યું છે.
શુક્રવારથી સતત પડી રહેલા વરસાદને પગલે ખાડા વધી ગયા છે ત્યારે જયાં સુધી વરસાદ રોકાશે નહીં ત્યાં સુધી ખાડાના સમારકામ કરવા મુશ્કેલ છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ પવઈ-ભાંડુપને આવરી લેતા એસ વોર્ડમાં સૌથી વધુ ખાડા રહ્યા છે, જેમાં ૨૦ ઑગસ્ટ સુધીમાં ૧,૮૮૦ ફરિયાદ આવી છે, તેમાંથી પાલિકાએ ૧,૨૨૬ ફરિયાદનો નિકાલ આણ્યો છે. કે-પશ્ર્ચિમ વોર્ડ અંધેરી, જુહુ ઓશિવરામાં ૧,૦૪૨ ફરિયાદ, એન વોર્ડ ઘાટકોપર અને ટી વોર્ડ મુલુંડમાં અમુક્રમે ૯૨૧ અને ૭૫૭ ફરિયાદ આવી છે. એ વોર્ડના કોલાબા-ફોર્ટમાં તથા બી વોર્ડ ડોંગરીમાં ૧૦૦થી ઓછી ખાડાની ફરિયાદ આવી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ બધી ફરિયાદો જોકે ખાડાઓ સંબંધિત નહોતી. કુલ ૨,૮૪૬ ફરિયાદમાંથી ૭૫૪ ફરિયાદ અન્ય ઍજન્સીને સંબંધિત હતી. અત્યાર સુધીમાં પાલિકાએ ૯,૨૧૨ ફરિયાદનો ઉકેલ લાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જયારે ૧,૫૯૧ ફરિયાદનો ઉકેલ હજી આવ્યો નથી.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુજબ મુંબઈના ૨૨૭ વોર્ડમાં એક રોડ એન્જિનિયર છે, જે દરરોજ ૧૦થી ૧૫ કિલોમીટર રસ્તાનું નિરીક્ષણ કરે છે. ભારે વરસાદ પછી ખાડા વધી જતા હોય છે. અમારા પ્રયાસ રહેશે કે છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે એટલે રસ્તાઓનું નિરીક્ષણ કરીને ખાડાઓને શોધીને તેને તાત્કાલિક પૂરવા આવે. ગણેશોત્સવ પહેલા તમામ રસ્તા પરના ખાડાઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ પણ હાથ ધરવાના છીએ.
રસ્તા પર વારંવાર પડતા ખાડાની સમસ્યાને દૂર કરવા માટે પાલિકાએ તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો પ્રોેજેક્ટ હાથ ધર્યો છે. મુંબઈના ૨,૦૫૦ કિલોમીટર રોડ નેટવર્કમાંથી ૧,૩૩૩ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે. જયારે બાકીના ૭૦૦ કિલોમીટરના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પાલિકાએ ૩૧ મે સુધીમાં કૉંક્રીટાઈઝેશનનું ૪૯ ટકા કામ પૂરું કરી લીધું છે અને બાકીનું કામ ચોમાસા બાદ ઑક્ટોબરમાં ફરી શરૂ કરવામાં આવવાનું છે.
આ પણ વાંચો…ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ