સંભાજીનગર જિલ્લામાં વિચિત્ર અકસ્માતઃ ચાર જણ પર લોખંડની પ્લેટ નીચે દબાયા

મુંબઈ: મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના શિઉર પોલીસ સ્ટેશનની હદમાં સિંધીનાલા ફાટા નજીક મોડી રાતે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં. કર્ણાટકથી બ્લેન્કેટ વેચવાનું કામ સમેટ્યા બાદ મધ્ય પ્રદેશ ટ્રકથી પાછા જઇ રહેલા ચાર જણ પર લોખંડની પ્લેટ પડી હતી, જેને કારણે ચારેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશથી કર્ણાટક બ્લેન્કેટ વેચવા માટે પાંચ જણ અહીં આવ્યા હતા. બ્લેન્કેટ વેચીને તેઓ પોતાના સામાન સાથે પાછા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવાય છે કે અમુક પૈસા બચાવવાનાં ચક્કરમાં પાંચેય જણ ટ્રકમાં બેસીને પાછા જઇ રહ્યા હતા. જે ટ્રકમાં તેઓ જઇ રહ્યા હતા એ ટ્રક રાજસ્થાન જઇ રહ્યો હતો. પાંચેયે પોતાના સામાનની સાથે પોતાની બાઈક પણ ટ્રકમાં રાખી હતી. રાતે છત્રપતિ સંભાજીનગરમાં જમવાનું પતાવ્યા બાદ ચાર જણ ટ્રકની પાછળ લોખંડની પ્લેટોની નજીક બેઠા હતા અને ત્યાં જ તેઓને નીંદર આવતાં તેઓ સૂઇ ગયા.
ટ્રક જ્યારે છત્રપતિ સંભાજીનગરથી શિઉર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી. ટ્રકમાં ઝટકા સાથે બ્રેક લાગતાં જ કંઇક પડવાનો અવાજ આવ્યો હતો. ડ્રાઈવરે ટ્રકને રસ્તામાં ઊભી રાખીને જોયું તો લોખંડની પ્લેટની પાછળ બેસેલા ચાર જણ પર એ પ્લેટ તેના પર પડી હતી. ચારેય જણ પ્લેટની નીચે દબાઈ ગયા હતા.
એક અન્ય વ્યક્તિની મદદથી ડ્રાઈવરે પ્લેટ હટાવવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી નહોતી. ત્યાર પછી ડ્રાઈવરે ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને પ્લેટ હટાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ પણ નિષ્ફળ રહ્યા હતા.
બીજે દિવસે સવારે કટરની મદદથી લોખંડની પ્લેટોને કાપવામાં આવી હતી અને ચારેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેયના મૃતદેહોને શિઉરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને ટ્રકને પોતાના તાબામાં લીધો હતો અને તપાસ શરૂ કરી હતી.



